મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લઈને જાહેરમાં પૂછ્યું મોહનભાઈ કેમ નીચે બેઠા છે ?

રાજકોટ લોકસભા બેઠકના પુર્વ સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી આજની જાહેર સભામાં ડાયસ ઉપર બેસવાના બદલે પ્રેક્ષકગણમાં આગલી હરોળમાં બેઠા હોય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ બાબતની ગંભીર નોંધ લીધી હતી અને જાહેરમાં પુછયું હતું કે, મોહનભાઈ કુંડારીયા કેમ નીચે બેઠા છે ? તેમને ઉપર બોલાવો. મુખ્યમંત્રીએ આવી ટકોર કરતાની સાથે જ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર ડાયસ ઉપરથી નીચે દોડી ગયા હતા અને મોહનભાઈ કુંડારીયાનો હાથ પકડીને તેમને ડાયસ ઉપર લઈ ગયા હતા.

મોહનભાઈ કુંડારીયાને ડાયસ ઉપર કેમ સ્થાન આપવામાં આવ્યું ન હતું ? તે બાબત મહાપાલિકાના પદાધિકારીઓ તેમજ શહેર ભાજપના વર્તુળોમાં ચર્ચાનો વિષય બની હતી. જો કે, મુખ્યમંત્રીએે ટકોર કર્યા બાદ સૌ શાનમાં સમજી ગયા હતા અને મોહનભાઈને ડાયસ ઉપર સ્થાન આપવામાં આવ્યું હતું તેમજ તેમનું નામ પણ ઉપસ્થિતોમાં એનાઉન્સ કરવામાં આવ્યું હતું.
ડાયસ ઉપર સ્થાન અપાયા બાદ કાર્યક્રમ પુર્ણ થયો ત્યાં સુધી મોહનભાઈ કુંડારીયા સભા સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. સભા પુર્ણ થયા બાદ તો આગેવાનો અને પદાધિકારીઓએ તેમને સર્કીટ હાઉસ પણ સાથે આવવા આગ્રહ કર્યેા હતો અને મોહનભાઈ સાથે જોડાયા પણ હતા.

રાજકોટ મહાપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની હતી કે, મુખ્યમંત્રીએ ડાયસ ઉપર બેઠા બાદ આવી ગંભીર ટકોર કરવી પડી હોય અને શાસકોએ ભુલ સ્વીકારીને પ્રેક્ષકગણમાં બેઠેલા મહાનુભાવોને ડાયસ ઉપર સ્થાન આપવું પડયું હોય ! આ ઘટના ભારે ચર્ચાસ્પદ બની હતી.

આ સમાચારને શેર કરો