આવનારા દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે ? જાણવા વાંચો.
ગઈ કાલે રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદ પડ્યો છે. જ્યારે કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ તો ક્યાંક ભારે ઉકળાટ જોવા મળ્યો છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના હવામાન અંગે માહિતી આપી છે. તેમણે રાજ્યમાં જોવા મળી રહેલા વરસાદ અને ગરમી-ઉકળાટ અંગે જાણકારી આપી છે. સાથે જ આવનારા દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે? તે અંગે માહિતી આપી છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, અત્યારે કોઇ મોટી સિસ્ટમ આપણી પર સક્રિય નથી. બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાયેલી અસ્થિરતા આપણાથી ઘણી બધી દૂર આગળ ખસી ગઇ છે. આ અસ્થિરતા પસાર થવાને લીધે તેના પાછળના લેયર્સને લીધે કદાચ એકાદ દિવસ કોઇ જગ્યાએ વરસાદ પડે તો તે અપવાદ રહેશે. 24 ઓક્ટોબર પછી કદાચ અમુક વિસ્તારોમાં વધારે ગરમીને કારણે કોઇ લોકલ સિસ્ટમ બંધાય અથવા સમુદ્રમાં કોઇ અસ્થિરતા બનતાં 24, 25 અને 26માં વરસાદ પડે તે અપવાદરૂપ રહેશે. હમણા કોઇ મોટા વરસાદની શક્યતાઓ નથી.
આવનારા દિવસોમાં હજુ વધુ ગરમી પડવાની છે. હજુ રાજ્ય પર ભેજ છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ કોઇ જગ્યાએ છૂટાછવાયા ગાજવીજ સાથે વરસાદ પડી જાય તે અપવાદરૂપ રહેશે. જે વિસ્તારોમાં વાદળો હટતા જશે ત્યાં પવનની ગતિ નોર્મલ થતી જશે. પવનની દિશા ફરતી જોવા મળશે. ગુજરાત પર ભેજનું પ્રમાણ વધારે હોવાથી ગરમી-ઉકળાટ રહેશે. દિવાળી બાદ 5 નવેમ્બરથી ગરમી અને ઉકળાટમાં થોડી રાહત મળી શકે છે. જે વિસ્તારોમાં વાદળ નહીં હોય ત્યાં તાપમાન 32થી 36 ડિગ્રી સુધી રહી શકે છે. જ્યાં વાદળ હશે ત્યાં 28થી 33 ડિગ્રી સુધી તાપમાન રહેશે.

