Placeholder canvas

લમ્પી સ્કીન રોગ શુ છે? તેમના લક્ષણો, અસરો અને શું કાળજી રાખવી જોઈએ ? ચાલો જાણીએ…

લમ્પી સ્કીન રોગ મનુષ્યને લાગુ પડતો નથી.

          ગાયોમાં શરીર પર ગાંઠ નીકળવાનો રોગ (Lumpy Skin Disease -LSD) ગોપાલકો, ગોપ્રેમી અને ગૌશાળાના સંચાલકો માટે ચિંતાનો વિષય બનેલ છે. પશુપાલકોને ઉપયોગી થાય તેવા ઉદેશથી, રોગ બાબતે સાદી સરળ ભાષામાં અત્રે થોડી માહિતી આપેલ છે. માતા, શીળસ કે ચામડીની ગાંઠના રોગ તરીકે પણ  આ રોગ પશુપાલકોમાં ઓળખાય છે.    

લમ્પી સ્કીન રોગ શું છે ?

      ગાય- ભેંસમાં જોવા મળતો વિષાણુંજન્ય રોગ છે. આ રોગની શરૂઆત આફ્રિકા દેશથી થયેલ. હાલ અનેક દેશોમાં પ્રસરેલ છે. ભારતની આસપાસના લગભગ તમામ દેશોમાં જોવા મળે છે. આપણા દેશમાં આ રોગની શરૂઆત કેરાલાથી થયેલ. હાલ અનેક રાજ્યમાં આ રોગ જોવા મળેલ છે.

રોગથી આર્થિક નુકશાન :

            ધણના કે ગૌશાળના 50% પશુ રોગનો ભોગ બની શકે છે. રોગને કારણે મરણ પ્રમાણ ભલે ઓછું હોય, પરંતુ આ રોગમાં ખોરાક ઓછો ખાવાથી પશુ દૂબળું પડી જાય છે. દૂધ ઉત્પાદન થોડા સમય પૂરતું અથવા કાયમી ઘટી જાય છે. પશુની ફળદ્રુપતા ઓછી થઇ જાય છે. ગાયનું ઋતુકાળમાં આવવાનું બંધ થઇ જાય છે. અથવા પશુને કાયમી વંધ્યત્વ આવે છે. ગાભણ પશુ ગર્ભપાતનો ભોગ બની શકે છે. આ ઉપરાંત રોગની સારવાર લાંબો સમય ચાલે છે. તેમજ પશુને પણ ઘણું દુ:ખ સહન કરવું પડે છે. ચામડી ખરાબ થાય છે. આમ પશુનું મરણ, દૂધ ઉત્પાદન ઘટી જવું, ગર્ભપાત, અને બીમાર પશુની સારવારને કારણે ઘણું આર્થિક નુકસાન થાય છે.

રોગનો ફેલાવો :

            પશુને કરડતા જીવ-જંતુ ખાસ કરીને માખી, મચ્છર. ઇતરડી રોગના જંતુનો ફેલાવો કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે માખીનો ઉપદ્રવ વધારે હોય ત્યારે રોગનું પ્રમાણ વધે છે. ખાસ કરીને ભેજવાળા અને ગરમ વાતાવરણમાં માખીની સંખ્યા વધારે હોય છે. ઠડી ઋતુમાં રોગનું પ્રમાણ ઘટી જાય છે.રોગીષ્ઠ ગાયનું દૂધ પીતાં વાછરુંને રોગ લાગુ પડી શકે છે. આ ઉપરાંત બીમાર પ્રાણીના સંપર્કમાં આવેલ વસ્તુ દ્વારા પણ રોગ ફેલાય છે. અમુક કિસ્સામાં નીરોગી પશુનો બીમાર પશુનો સંપર્ક  થવો તેમજ દૂષિત પાણી અને ખોરાક થકી પણ રોગ ફેલાય છે. આ રોગ મુખમાંથી પડતી લાળ દ્વારા પણ ફેલાય શકે છે. રોગીષ્ઠ પશુ જે અવેડામાં પાણી પીતાં હોય તેમાં નીરોગી પશુ પાણી પીવે તો તેને રોગ લાગુ પડી શકે છે.

નાના વાછરુંથી માડીને મોટી ઉંમરના કોઇપણ પ્રાણીને આ રોગ લાગુ પડી શકે છે. દેશી ગાયો કરતા પરદેશી ગાયોમાં વધુ તીવ્ર પ્રકારે જોવા મળે છે. જે પશુને નિયમિત રસીકરણ કરવામાં આવતું હોય તેને રોગ થવાની શકયતા ઓછી રહે છે. તેમજ જે પશુને રોગ થયો હોય તેને ફરી રોગ થતો નથી. વાછરું ધવરાવતી ગાયને રસીકરણ કરવામાં આવેલ હોય કે રોગ થયેલ હોય તો વાછરુંને 6 મહિનાની ઉંમર સુધી રોગ થવાની શકયતા રહેતી નથી.

રોગના લક્ષણો  :

પશુના શરીરમાં જંતુ દાખલ થયા પછી 4 થી 14 દિવસ દરમિયાન રોગના લક્ષણો દેખાવાની શરૂઆત થાય છે રોગના નામ પ્રમાણે રોગીષ્ઠ પશુના શરીર પર ગાંઠ થાય છે. શરૂઆતમાં પશુને સખત તાવ આવે છે અને લસિકા ગાંઠ સોજી જાય છે. ત્યારબાદ સામાન્ય રીતે, ચામડી પર ગાંઠ જોવા મળે છે ગાંઠ લગભગ સમગ્ર શરીર પર જોવા મળે છે. ખાસ કરીને માથું, ડોક, આવ, વૃષણ કોથળી, અને પૂંછ નીચેના ભાગ પર ખાસ જોવા મળે છે. ગાઠની સંખ્યા તેમજ કદ વધ- ઘટ તેમજ ચામડી પર કોઇપણ જગ્યાએ હોઇ શકે છે. પગ સોજી જાય છે.

શ્વસન તંત્રના ચેપના કારણે કફ અને ન્યુમોનિયા/વરાધ  જોવા મળે છે. નાકમાંથી પાણી જેવા પાતળાથી પસ જેવું ઘાટું પ્રવાહી બહાર આવે છે. આવનો સોજો, તાવ, નબળાઇ અને મુખ તેમજ નાકના અંદરના ભાગે ચાંદા જોવા મળે છે. ઉપરાંત, મોં માંથી લાળ અને નાક તથા આંખમાંથી પાણી પડતું જોવા મળે છે. ગાય અને ધણખૂટમાં વંધ્યત્વ જોવા મળે છે. અમુક પ્રાણી માટે રોગ જીવલેણ બને છે. જ્યારે અમુક પશુમાં હળવા રૂપમાં હોય છે. ગાઠમાં સડો પડે છે. અને અંદરથી ખરાબો બહાર આવે છે. જેનાથી માખી વધુ આકર્ષાય છે. ગંભીર રીતે અસરગ્રસ્ત પશુમાં શ્વસન અને પાચનતંત્રમાં ચાઠા જોવા મળી શકે છે. રોગીષ્ઠતા પ્રમાણ 5-45 %અને મરણ પ્રમાણ 10% થી ઓછું હોય છે. આ રોગમાં પશુની સુખાકારી પર મોટી અસર થાય છે. દૂધાળ પશુ જે દૂધ ઉત્પાદનના ઉચ્ચ સ્તર પર હોય તેને વધુ ભારે લાગે છે.

રોગનું નિદાન :

            પ્રાથમિક નિદાન ચામડી પર ગાંઠ અને મુખમાં ચાંદાના આધારે કરી શકાય. ચોક્કસ નિદાન લેબોલેટરી તપાસ દ્વારા ગાંઠમાંથી લીધેલ નમુનામાં વિષાણુંની હાજરીના આધારે થઇ શકે છે. અમુક રોગમાં આ રોગ જેવા જ લક્ષણો જોવા મળતા હોય, રોગ નિયંત્રણના સચોટ આયોજન માટે લેબોલેટરી તપાસના આધારે ચોક્કસ નિદાન કરવું જરૂરી છે. પશુપાલકને પોતાના પશુને લમ્પી સ્કીન રોગ હોવાની શંકા હોય ત્યારે પશુચિકિત્સક પાસે નિદાન કરાવવું જોઇએ. રોગના જંતુ (વિષાણું) બીમાર પશુની ચામડી પરની ગાંઠ તેમજ  ભીગડા અને ગાંઠમાંથી નીકળતા ખરાબામાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. રોગના જંતુ રોગ લાગુ પડ્યા પછી લોહીમાં 21 દિવસ સુધી જોવા મળે છે. જ્યારે ધણખૂટના બીજમાં લગભગ 42 દિવસ સુધી હોય છે. લેબોલેટરી તપાસ માટે ગાઠનો અમુક ભાગ તેમજ લોહી જંતુની તપાસ અને રોગની ખરાઇ કરવા મોકલવાના રહે છે.

રોગીષ્ઠ પશુની સારવાર :

   આ રોગ વિષાણુથી થતો હોય કોઇ ચોક્કસ સારવાર નથી. પ્રતિજીવાણુ અને સૂજન વિરોધી દવા ગાંઠના ઝખમ, ચેપ તેમજ તાવની સારવાર માટે કરી શકાય. પશુની ભૂખ ખોલવા માટે વિટામિનની સારવાર આપી શકાય. નબળાઇ ધરાવતા પ્રાણીને પ્રવાહીના બાટલા ચડાવવાથી ફાયદારૂપ થાય છે. ગાંઠના ઝખમની સારવારમાં પ્રતિજીવાણું મલમ કે પાવડરનો ઉપયોગ કરી શકાય. 

રોગનો અટકાવ :

            રોગનું નિયંત્રણ ચાર યુક્તિઓ પર આધાર રાખે છે. પશુની હેરફેર પર નિયંત્રણ, રસીકરણ, વ્યવસ્થાપન વ્યૂહરચના અને રોગીષ્ઠ પશુને અલગ કરવું. રોગચાળો ફાટી નીકળ્યો હોય ત્યારે પશુની હેરફેર અટકાવવાની  કામગીરી જેટલી ઝડપથી થાય એટલું રોગ પર નિયંત્રણ વહેલું આવે છે. રસીકરણ સૌથી વધુ અસરકારક ઉપાય છે. રોગના નિયંત્રણ માટે રોગનો અટકાવ સૌથી સસ્તી અને ઉત્તમ રીત છે. રસીકરણ દ્વારા પશુને રોગ સામે રક્ષણ આપવામાં આવે તો રોગ થતો અટકાવી શકાય. દરેક પશુને નિયમિત દર વર્ષે ખાસ કરીને માખીના ઉપદ્રવની ઋતુ પહેલા રસીકરણ કરવું જોઇએ. રોગ થયેલ પશુને ફરી રોગ થવાની શકયતા ન હોય તેને રસી મુકવાની જરૂર રહેતી નથી. રસીકરણ કરેલ કે રોગ થયેલ ગાયને જન્મેલ 6 મહિનાથી નીચેની ઉંમરના બચ્ચાંને રસીકરણ કરવાની જરૂર રહેતી નથી. પરંતુ બચ્ચું 6 મહિનાનું થાય એટલે રસી આપવી જરૂરી બને છે. રસી મુકેલ જગ્યા પર સામાન્ય સોજો કે થોડા સમય પૂરતું દૂધ ઉત્પાદન ઓછું થઇ શકે છે. પરંતુ થોડા સમયમાં સોજો જતો રહે છે અને દૂધ ઉત્પાદન પણ સામાન્ય થઇ જાય છે.

ગૌશાળામાં માખી-મચ્છારનું સંપૂર્ણ નિયંત્રણ કરવું અશક્ય છે. જેથી માખી પશુને કરડે નહીં તે માટે પગલા લેવા વધુ યોગ્ય ગણાય. માખી-મચ્છર પશુથી દૂર રહે તેવી દવાનો છંટકાવ, ગૌશાળાની સફાઇ, અને માખી-મચ્છરના ઉપદ્રવની જગ્યા પર દવાના છંટકાવના ઉપાયો કરી શકાય. એ યાદ રાખવું જરૂરી છે કે, માખી-મચ્છરના નિયંત્રણથી તમામ પશુને રોગ થતો અટકાવી શકાતો નથી. જેથી પશુને રોગ થતો અટકાવવા માટે સૌથી સારો રસ્તો પશુને સમયસર રસી મુકાવવી એ જ છે. ચેપી પશુની હેરફેર રોગના ફેલાવા માટે ઘણો મહત્વનો ભાગ ભજવે છે. બીમાર પશુને અલગ કરવા માટે આયોજન કરવું જોઇએ. દેશી પદ્ધતિમાં લીમડાનો ધુમાડો કે ધૂપ પશુના રહેઠાણમાં કરી શકાય. આ રોગ મનુષ્યને લાગુ પડતો નથી.

ડૉ. એમ.જી.મારડિયા  (યુ..એસ.એ.) (વોટ્સએપ મો. + 91 96240 32009)

આ સમાચારને શેર કરો