Placeholder canvas

રાજકોટ: જાણીતા વકીલ પર મહિલા ASIના પતિ સહિત ચાર લોકોએ કર્યો હુમલો!

રાજકોટ: શહેરમાં (Rajkot) વધુ એક વખત ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેર પોલીસ અને વિવાદ બંને એકબીજાના જાણે કે પર્યાય બની ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ સીધી રીતે અથવા તો આડકતરી રીતે સંકળાયેલી હોય તે પ્રકારની એક બાદ એક વિવાદિત ઘટનાઓ સામે આવી રહી છે. રવિવારની રાત્રે જાણીતા એડવોકેટ રિપન ગોકાણી (Rajkot advocate Ripan Goyani) પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે હુમલો કરનાર અન્ય કોઈ નહીં પરંતુ મહિલા પોલીસ મથકમાં એસ આઈ તરીકે ફરજ બજાવનારા અધિકારીના પતિ સહિતનાઓ હોવાનું સામે આવ્યું હતુ. જે બાદ ગાંધીગ્રામ પોલીસે (Gandhigram Police) જસ્મીન માઢક અને તેના સગીર વયના પુત્ર સાથે ભાવિન દેવડા તેમજ ભુપત બાંભવાને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્કોર્પિયો કાર પણ કબ્જે કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 માં આવેલી રામેશ્વર સોસાયટી ખાતે રહેતા જાણીતા વકીલ રીપન ગોકાણી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. તેમજ એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી જરૂરી માહિતી મેળવી નીચેના અધિકારીઓને આરોપીઓની શોધખોળ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જાણીતા વકીલ રિપન ગોકાણી પોતાના ઘર પાસે બેઠા હતા. ત્યારે કેટલાક લોકો સ્કોર્પિયો કારમાં આવ્યા હતા. કારમાંથી ઉતરીને તેમણે વકીલ પર હુમલો કર્યો હતો. તેમજ વાહનમાં અને કુંડામાં તોડફોડ કરી હતી. જાણવા મળતી વિગત મુજબ હુમલાખોર પુરુષની પત્ની રાજકોટ પોલીસના મહિલા પોલીસ મથકમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવે છે. સ્કોર્પિયો કારના નંબરના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો