વાંકાનેરમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો ઝેર ગટગટાવી આપઘાત
વાંકાનેર : વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેર ગટગટાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગત મુજબ વાંકાનેરના જીનપરામાં રહેતા જયેશભાઇ સોમાભાઇ બાવળીયા કોળી (ઉ.વ.20) એ પોતાના ધંધા માટે દોઢ લાખ રૂપિયા વ્યાજે મેળવેલ હતા. જેનું 75,000જેટલું વ્યાજ ચઢી જતાં ગઇકાલે સાંજે સરફરાજ મકવાણા નામના શખ્સે જયેશને ઉઘરાણી માટે ફોન કરાવ્યો હતો. ત્યારે જયેશે કહેલ કે હમણા ટૂંક સમયમાં જ આપી દઇશ.
બાદમાં જયેશે ઝેરી દવા પી લેતા તેને પ્રથમ વાંકાનેર અને બાદમાં રાજકોટ સીવીલ હોસ્પીટલે સારવાર અર્થે લઇ જતા ગત મોડી રાત્રે તેનુ મૃત્યુ થયું હતું. પોલીસ અધિકારી એચ. એન. રાઠોડે લાશને સંભાળવાનું કહેતા તેની સામે સામાજીક આગેવાન જીજ્ઞાસાબેન મેરે જણાવેલ કે પ્રથમ ગુનો દાખલ કરો ત્યારબાદ જ લાશ સંભાળવામાં આવશે. ત્યારે પોલીસ અધિકારીએ એન્ટ્રી દાખલ કરી આ બનાવની તપાસ એચસીડી જાડેજાને સોંપી છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે 376ના ગુનાઓની એફઆરઆઈ ઓનલાઇન મુકવામાં આવતી નથી. ત્યારે આ ગુનાની એફઆરઆઈ ઓનલાઇન મુકવાની હોય છે. છતાં મુકવામાં આવી ન હોય પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવી રહ્યા હોવાની ચર્ચા ઉઠી છે.