વાંકાનેર

વાંકાનેર: 2.18 કરોડના વિદેશી દારૂ પ્રકરણમાં 5 મહિનાથી ફરાર ત્રણ આરોપીઓ જામનગરથી ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે છેલ્લા 5 મહિનાથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને જામનગર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓ અગાઉ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા 2.18 કરોડના વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા હતા અને ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હતા.

ગત તારીખ 12/03/2026 ના રોજ વાંકાનેર બાઉન્ટ્રીથી રાજકોટ તરફ જતા રસ્તે સુગર એન્ડ સ્પાઇસ હોટલ સામેથી એક બંધ બોડીની ટ્રક (RJ 14 GP 4506) માંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આરોપીઓએ ફૂડ સોસની ખોટી બિલ્ટી અને ઇ-વે બિલ બનાવીને કાવતરું રચ્યું હતું. આ ટ્રકમાંથી પોલીસે 1,86,50,400 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 28584 બોટલો અને 6,96,960 રૂપિયાની કિંમતના 3168 બિયરના ટીન જપ્ત કર્યા હતા. દારૂ, ટ્રક, રોકડ અને મોબાઈલ સહિત કુલ 2,18,55,560 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ ગુનાની તપાસ દરમિયાન જામનગરના ત્રણ શખ્સોએ દારૂનો જથ્થો મંગાવી ગુનામાં મદદગારી કરી હોવાનું ખૂલ્યું હતું. વાંકાનેર કોર્ટ તરફથી વોરંટ ઇશ્યુ થયા હોવા છતાં આ આરોપીઓ અવારનવાર તપાસ કરવા છતાં મળી આવતા ન હતા. પોલીસ અધિક્ષક મુકેશ પટેલની કડક સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ. એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી પોલીસની ટીમો આરોપીઓને પકડવા કાર્યરત હતી. દરમિયાન પીએસઆઈ કે. એચ. ભોચીયા અને કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ પી. ઝાલાને મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે જામનગરથી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓ

  • (૧) સુનીલ ઉર્ફે ભુતી ધનજીભાઈ ડોણાસીયા (ઉંમર 28, રહે. નાગેશ્વર પાર્ક, વાકોલ માતાજીના મંદિર સામે, જામનગર)
  • (૨) રોહીત ઉર્ફે કાનો ચંદુભાઈ લીંબડ (ઉંમર 43, રહે. શંકર ટેકરી, સુભાષપરા, જામનગર)
  • (૩) સુનીલ ઉર્ફે સાગર હમીરભાઈ માણેક (ઉંમર 31, રહે. મયુરનગર વામ્બે આવાસ, જામનગર)

આ સફળ કામગીરી પ્રોબેશનલ પીઆઈ પી. આર. સોલંકી, પીએસઆઈ કે. એચ. ભોચીયા, હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ ઝાલા, રાણીંગભાઈ ખવડ, દર્શિતભાઈ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા, ભરતકુમાર રમેશભાઈ, દિવ્યરાજસિંહ ઝાલા અને જગદીશભાઈ રંગપરા દ્વારા કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો