એસ.ટી. કંડક્ટરની ઈમાનદારીથી મુસાફરને મળ્યો લાખોનો વિશ્વાસ
બસમાં ભૂલાયેલ કિંમતી પર્સ સાચવી પરત આપતા વાંકાનેર એસ.ટી. પરિવારની પ્રશંસા
સોનાચાંદીના દાગીના સહિતનો સામાન સુરક્ષિત પરત અપાયો
ગત તા. ૭ મે, ૨૦૨૬ના રોજ વાંકાનેરથી અમદાવાદ જતી એસ.ટી. બસમાં મુસાફરી દરમિયાન આશિયાનાબાનુ નૂરમહંમદભાઈ મેર નામના મુસાફર મહિલાનો પર્સ બસમાં ભૂલાઈ ગયો હતો. બસમાં ફરજ પર કંડક્ટર તરીકે પ્રકાશભાઈ મકવાણા અને ડ્રાઈવર તરીકે ભીખુભાઈ કુંભરવાડીયા સેવા આપી રહ્યા હતા.
બસ અમદાવાદ પહોંચ્યા બાદ કંડક્ટર શ્રી પ્રકાશભાઈ મકવાણાએ નિયમિત ચેકિંગ દરમિયાન એક લેડીસ પર્સ મળી આવ્યો હતો. પર્સની તપાસ કરતાં તેમાં સોનાની વીંટી, એક જોડી ચાંદીના સાંકરા, મેકઅપનો સામાન, બંગળી તેમજ પાટલા મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. ૪૫ હજારથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ સમગ્ર મામલાની ખરાઈ કરી વાંકાનેર ખાતે ફરજ પર રહેલા TC શ્રી જયેશભાઈ પંડયાને જાણ કરવામાં આવી હતી. મુસાફરને રૂબરૂ બોલાવી રાજકોટ એસ.ટી. ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર જે. જે. જાડેજા તથા ટી.આઈ. રહીમભાઈ પરમારની હાજરીમાં તમામ વસ્તુઓની ઓળખ અને ખાતરી કરી પર્સ તથા તેમાં રહેલો કિંમતી સામાન સુરક્ષિત પરત આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મુસાફર મહિલાએ એસ.ટી. નિગમ અને વાંકાનેર એસ.ટી. પરિવારનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ કર્મચારીની ઈમાનદારી અને ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી.
વાંકાનેર એસ.ટી. પરિવારની પ્રતિષ્ઠામાં વધારો કરનાર આ કામગીરી બદલ રાજકોટ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા તેમજ વાંકાનેર ડેપો મેનેજર એ. એન. પઢારીયા દ્વારા કંડક્ટર પ્રકાશભાઈ મકવાણાને અભિનંદન પાઠવી ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

