વાંકાનેર: પુલ દરવાજા પાસે આધેડને ગાય ઢીક મારતા માથામાં ગંભીર ઇજા, રાજકોટ રીફર

વાંકાનેર આજે માર્કેટચોક પાસે આવેલ પતાયાના પુલ ઉપર ગાયે ઢીક મારતા તેમને માથા ઉપર ગંભીર ઈજા પહોંચી હતી. તેમને વાંકાનેર પ્રાથમિક સારવાર આપીને રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આજે સાંજના સાડા ચારથી પાંચ વાગ્યાની આસપાસ સુભાષભાઈ રાઘવજીભાઇ સચાણીયા (ઉંમર વર્ષ આશરે ૬૫) તેઓ પતાળિયાના પુલ ઉપરથી આવી રહ્યા હતા ત્યારે આ પુલ ઉપર કાયમી અડિંગો જમાવીને બેસતી ગયોમાંથી એક ગાયએ સુભાષભાઈ ને ઢીક મારતા તેઓ પડી ગયા હતા અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. માથામાંથી સતત લોહી વહેતું હતું. તેઓને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેઓને રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર નગરપાલિકા ના સત્તાધીશો તેમની ઈચ્છા અને મન મુજબ જ તંત્ર ચલાવી રહ્યા છે. અમુક વિસ્તારના લોકોને સફાઈ બાબતે વારંવાર ફરિયાદ હોય છે પરંતુ આ નગરપાલિકાનું તંત્ર કાનમાં લેતું નથી. એ જ રીતે વાંકાનેરના હાર્દસમા વિસ્તાર એવા માર્કેટ ચોકમાં પતાળીયાના પુલ ઉપર કાયમી માટે ગાયોનું એક મોટું જૂથ બેસે છે. આ પુલ ઉપરથી પસાર થવું ભારે મુશ્કેલ ભર્યું થઇ ગયુ છે અને આવા ઢીક મારવાના કિસ્સા સામે આવી રહ્યા છે. આમ છતાં નગરપાલિકાના તંત્રને આ દેખાતું નથી. આ સમગ્ર ઘટના તેમની આંખની સામે જ છે. છતાં પણ તે તેમના સતાના નશામાં મસ્ત છે, પબ્લિક જાય તેલ પીવા આનો સીધો મતલબ આવો જ કરી શકાય. નગરપાલિકાએ રેટીયાર ઢોરને પકડવાની કામગીરી છેલ્લા એક દશકામાં કયારે કરી એ કદાચ નગરપાલિકાના તંત્ર ખુદને પણ યાદ નહીં હોય..! આમ ખૂબ આવશ્યક કામગીરી કરવા માટે તેમની પાસે ઢોરવાડો કે ઢોરને રાખવાની જગ્યા પણ નથી અને ઢોરને પકડીને લઈ જવાનું વાહન પણ નથી તેવું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

અહીં વિશેષ ઉલ્લેખ કરવો રહ્યો કે છેલ્લી શાંતિ સમિતિની મીટીંગ દરમ્યાન આ ગાયો ના પ્રશ્ને ચર્ચા થઈ હતી અને તાજીયા વખતે ગાયો નો પ્રશ્ન ઉભો ન થાય તે માટે વાંકાનેર શહેર પી.એસ.આઈ એ આ બાબતે નગરપાલિકા ને લખ્યું હોવાની પણ માહિતી છે આમ છતાં નગરપાલિકાએ કોઈ કામગીરી કરી હતી ? નગરપાલિકા તેમને ઈચ્છા પડે એ જ કામ કરે છે, નહીં કે લોકોની સગવડ માટે, લોકોના હિતમાં. અહીં વધારે કાંઈ કરી શકાય તેમ નથી. કેમકે વાંકાનેરની જનતા વર્ષોથી એકચક્રી શાસન આપી રહી છે અને તેના બદલામાં વહીવટકર્તાઓ લોકોના ચુકાદાનો બદલો આવી અસુવિધા રૂપે આપી રહ્યા છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો