ભીડમાં પિતા પ્લેટફોર્મ પર રહી ગયા અને 14 વર્ષીય દીકરી ટ્રેનમાં એકલી રવાના થઈ ગઈ; જૈમીન ત્રિવેદીની સમયસૂચક પહેલ અને રેલવે કંટ્રોલ રૂમ-RPFના સંકલનથી બાળકી હેમખેમ પરિવાર સુધી પહોંચી
વાંકાનેર રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીની સતર્કતા અને માનવીય સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. 31 ઓક્ટોબર, 2026ના રોજ મુસાફરી દરમિયાન પરિવારથી વિખૂટી પડી ગયેલી 14 વર્ષીય બાળકી રાની કુમારીને રેલવે કર્મચારીઓના સમયસરના સંકલન અને ત્વરિત કામગીરીને કારણે સુરક્ષિત રીતે પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, કટિહાર જવા માટે એક પરિવાર વાંકાનેર રેલવે સ્ટેશન પરથી ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો. સ્ટેશન પર ભારે ભીડ હોવાના કારણે 14 વર્ષીય રાની કુમારી ટ્રેનના S-6 કોચમાં ચઢી ગઈ હતી, પરંતુ તેના માતા-પિતા અને ભાઈ ટ્રેનમાં ચઢી શક્યા નહોતા. પરિણામે ટ્રેન રવાના થઈ ગઈ અને બાળકી પરિવારથી વિખૂટી પડી હતી.
બાળકીના પિતા રાજુભાઈ મૂક-બધિર દિવ્યાંગ હોવાથી તેઓ તાત્કાલિક વાંકાનેર સ્ટેશનના બુકિંગ કાર્યાલયે પહોંચ્યા હતા અને ફરજ પર હાજર બુકિંગ કર્મચારી જૈમીન ત્રિવેદીનો સંપર્ક કર્યો હતો. જૈમીન ત્રિવેદીએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને સમય ગુમાવ્યા વિના રાજકોટ ડિવિઝનના કોમર્શિયલ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
માહિતી મળતાં જ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા આશિષ મુલુયાણીએ તાત્કાલિક સુરેન્દ્રનગર રેલવે સુરક્ષા બળ (RPF) અને સુરેન્દ્રનગરના મુખ્ય ટિકિટ નિરીક્ષક એસ.એલ. મીણાને જાણ કરી હતી. ટ્રેન સુરેન્દ્રનગર પહોંચતાં જ સંબંધિત કર્મચારીઓએ S-6 કોચમાં તપાસ હાથ ધરી બાળકી રાની કુમારીને સુરક્ષિત શોધી કાઢી હતી.
ત્યારબાદ બાળકીની પરિવારજનો સાથે ફોન પર વાત કરાવી તેમને સાંત્વના આપવામાં આવી હતી. આગળની વ્યવસ્થા હેઠળ રાની કુમારીને ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ મારફતે RPF જવાનોની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે વાંકાનેર પરત લાવવામાં આવી હતી અને પરિવારજનોને સોંપવામાં આવી હતી.
આ સરાહનીય કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ કોમર્શિયલ વિભાગ તથા RPFના કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરી હતી. ખાસ કરીને વાંકાનેરના બુકિંગ કર્મચારી જૈમીન ત્રિવેદીની સતર્કતા અને સમયસૂચક પહેલને બિરદાવવામાં આવી હતી.
એક પિતા પોતાની દીકરીથી વિખૂટા પડી ગયા હતા, પરંતુ એક કર્મચારીની સતર્કતા, કંટ્રોલ રૂમનું સંકલન અને RPFની ત્વરિત કામગીરીએ આ પરિવારને ફરીથી એક કરી દીધો. આ ઘટના સાબિત કરે છે કે ફરજ પ્રત્યેની જાગૃતિ અને માનવીય સંવેદના ક્યારેક કોઈ પરિવાર માટે કેટલી મોટી રાહત બની શકે છે.
