વાંકાનેર: ૮ મહિનાથી નાસ્તો-ફરતો ઘરફોડ ચોરીનો રીઢો આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો
CCTV અને હ્યુમન સોર્સની મદદથી રાજકોટના શખ્સને દબોચી લેવાયો: સોનાના દાગીના અને રોકડ સહિત ₹૧.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત
વાંકાનેર: મોરબી જિલ્લામાં મિલકત વિરોધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલ્યા ગુનાઓ શોધી કાઢવાની એસપી મુકેશ પટેલની કડક સૂચના બાદ વાંકાનેર સિટી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી પોલીસને થાપ આપતા એક આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો છે.
વાંકાનેર સિટી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, ત્યારે પો.કોન્સ. દર્શિતભાઈ વ્યાસ અને હિતેન્દ્રસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજકોટના કુબલીયાપરા વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આરોપી કમલેશ ઉર્ફે કમો દીપકભાઈ સોલંકી (ઉં.વ. ૨૯, રહે. રાજકોટ) ને દબોચી લીધો હતો.
પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ ₹૧,૩૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં:
સોનાનો ચેઈન (કિંમત ₹૨૦,૦૦૦/-)
સોનાનું પેન્ડલ (કિંમત ₹૩૫,૦૦૦/-)
સોનાની બુટ્ટી (કિંમત ₹૭,૦૦૦/-)
રોકડા રૂપિયા ૧,૦૭,૦૦૦/-
પોલીસ ટીમની કામગીરી:
આ સફળ કામગીરી વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.એસ. સિંધવ, અને યશપાલસિંહ પરમાર, વીરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, રાણીંગભાઈ ખવડ, દર્શિતભાઈ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઈ પરમાર અને જગદીશભાઈ રંગપરા દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન્ય ગુનાઓમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

