વાંકાનેર નગરપાલિકાના અધિકારી અને પદાધિકારી કામ ન કરતા હોય, કલેકટર પોતાની સત્તાનો ઉપયોગ કરીને કામ કરે તેવી માંગણી…
“વાંકાનેર નગરપાલિકાની બિનકાર્યક્ષમતાના કારણે ન થતા કામો ધી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ- ૨૬૯ હેઠળ પ્રાપ્ત અમર્યાદિત સત્તાનો ઉપયોગ કરીને મોરબી જિલ્લા કલેક્ટર કરે તેવી માંગણી કરતા નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યો”
પાછલા લાંબા સમયથી વાંકાનેર નગરપાલિકાની બિનકાર્યક્ષમતાના કારણે વાંકાનેર શહેરના નાગરિકોનનાં આરોગ્ય અને સુરક્ષિતતા પર ગંભીર ખતરો ઉભો થતો હોઈ, કોંગ્રેસના નગરપાલિકાના સદસ્યો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર ને ધી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ- ૨૬૯ હેઠળ કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
વાંકાનેર શહેરના રસ્તાઓમાં ખાડા પડી ગયા છે, રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ખાસ કરીને દાણાપીઠ ચોક થી વિવેકાનંદજીના સ્ટેચ્યુ સુધીનો રસ્તો ભંગાર હાલતમાં છે અને લગભગ દરરોજ તે રોડ પર અકસ્માત થાય છે. મુખ્યમંત્રી ફરિયાદ નિવારણના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કલેક્ટરે ચીફ ઓફિસરને રૂબરૂ સૂચના આપી હોવા છતાં આ રોડનું કામ કરવામાં નથી આવી રહ્યું.
શહેરના વીશીપરા, મિલપ્લોટ, લક્ષ્મીપરા, જીનપરા મેઈન રોડ, આરોગ્ય નગર સહિતના ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરમાં ઢાંકણા તૂટી ગયા છે અથવાતો છે જ નહીં. જેના કારણે ગંભીર અકસ્માતનો ભય છે. વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર પર નવા ઢાંકણા નાખવામાં આવતા નથી.
શહેરના વાણિયા શેરી, સિપાઈ શેરી, લક્ષ્મીપરા, વીશીપરા, મિલપ્લોટ સહિતના વિસ્તારોમાં વારંવાર ગટર ઉભરાય છે અને શેરીઓમાં તથા લોકોના ઘરો સુધી ગટરનું પાણી પહોંચી જાય છે. નગરપાલિકા દ્વારા એનો કોઈ પણ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી.
વાંકાનેર નગરપાલિકાનો પાણીનો ફિલ્ટર પ્લાન્ટ પણ લાંબા સમયથી બંધ છે, જેના કારણે શહેરના નાગરિકોને નગરપાલિકા દ્વારા ગંદુ અને દુર્ગંધ મારતું પાણી પહોંચાડવામાં આવે છે.
વાંકાનેર શહેરની અત્યંત નજીકની ઓજી સોસાઈટીઓમાં ભર ઉનાળે પાણી બાબતે મુસ્કેલી ઊભી થઈ છે. ગુલાનનગર અને આશિયાના સોસાયટીમાં નગરપાલિકા દ્વારા પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. રજુઆતો બાદ પ્રાંત અધિકારી દ્વારા લાંબા સમયથી ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. ગુજરાતમાં પાછલા ૩૦ વર્ષથી ભાજપની સરકાર છે, સરકાર “ઘેર ઘર નળ” જેવી મોટી મોટી યોજનાઓની વાતો કરે છે. પરંતુ હકીકતમાં ભાજપ સરકાર વાંકાનેર શહેર મધ્યના વિસ્તાર એવ આશિયાના સોસાયટી કે ગુલાબ નગરમાં પણ પીવાનું પાણી નથી પહોંચાડી શકતી.
વાંકાનેર શહેરમાં ટૂંકા ગાળામાં ૨ જગ્યાએ આગ લાગવાના બનાવ બન્યા છે. વાંકાનેર નગરપાલિકા દ્વારા અગ્નિશામક સાધનો ઉપલબ્ધ ન હોઈ મોરબીથી અગ્નિશામક સાધનો મંગાવવા પડે છે. જે ગંભીર બાબત છે.
વાંકાનેર નગરપાલિકાની બિનકાર્યક્ષમતાના કારણે ઊભા થયેલા આ બધા મુદ્દાઓ લોકોના આરોગ્ય અને સુરક્ષિતતા પર ગંભીર ખતરો ઉભો કરે છે. કોંગ્રેસના નગરપાલિકાના સદસ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ આ બાબતે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવગે છે, પરંતુ તેમના દ્વારા કોઈજ કામગીરી કરવામાં આવતી નથી.
ધી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ- ૨૬૯ હેઠળ જિલ્લા કલેક્ટરને તાકીદના પ્રસંગે અમર્યાદિત સત્તા પ્રાપ્ત છે. તેઓ લોકોના આરોગ્ય અને સુરક્ષિતતા પર ખાતરો હોય ત્યારે પોતાની અમર્યાદિત સત્તાનો ઉપયોગ કરીને નગરપાલિકા વિસ્તારમાં કામ કરવી શકે છે.
માટે વાંકાનેર નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરીને ધી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ- ૨૬૯ હેઠળ તેમને પ્રાપ્ત અમર્યાદિત સત્તાનો ઉપયોગ કરીને વાંકાનેર શહેરમાં કામગીરી કરવા માંગણી કરવામાં આવી છે.

