વાંકાનેર

વાંકાનેરના ચકચારી હત્યા કેસમાં ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

બનાવ સમયે એક ફોન કોલ ઉપરથી અન્ય એક શખ્સની કાવતરામાં સંડોવણી માની તેને પણ તકસીરવાન ઠેરવાયો : સ્પે.પી.પી. ભગીરથસિંહ ડોડીયા અને ફરીયાદી તરફેના એડવોકેટ જીતેન્દ્રસિંહ જાડેજાની ધારદાર દલીલોને માન્ય રાખી કોર્ટે આપ્યો ધાક બેસાડતો ચુકાદો

વાંકાનેર : વાંકાનેરના ત્રણ વર્ષ પૂર્વેના ચકચારી અમીત અશ્વિનભાઈ કોટેચાની ઘાતકી હત્યા કેસમાં મોરબી સેશન્સ અદાલતે ત્રણ આરોપીઓને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી ધાક બેસાડતો ચુકાદો જાહેર કર્યો છે. આ કેસમાં બનાવ સમયે એક ફોન કોલ ઉપરથી અન્ય એક શખ્સની કાવતરામાં સંડોવણી માની તેને પણ તકસીરવાન ઠેરવાયો છે.

મળેલ માહિતી મુજબ ફરીયાદી હિમાંશુ અશ્વિનભાઈ કોટેચાએ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં તા.૧૧/૯/૨૦૨૨ ના રોજ એવી ફરીયાદ આપેલ હતી કે બનાવના આગલા દીવસે તેના ભાઈ અમીત ઉર્ફે લાલાભાઈએ તેને વાત કરેલી હતી કે બે થી ત્રણ દીવસ પહેલા સરફરાજ અને ઈમરાન, સુરેશ બાવાજીને આપેલ વ્યાજની રકમમાં પોતે વચ્ચે પડતા તેઓ મારી સાથે માથાકુટ કરશે. જેથી તું પણ ધ્યાન રાખજે. ત્યારબાદ બનાવની રાત્રીના ૧-૦૦ વાગ્યે ફરીયાદીના પિતરાઈ ભાઈ વિરલ પ્રદીપભાઈ બુધ્ધદેવનો ફોન આવેલ અને તેને તાત્કાલીક લાલા લેથવાળાની દુકાન પાસે, અમરનાથ સોસાયટીમાં આવવા જણાવેલ હતું. જેથી ફરીયાદી તાત્કાલીક સ્થળ પર પહોંચતા તેનો ભાઈ અમીત લોહીથી લથબથ સ્થળ પર પડેલ હતો અને તેઓને બોલાવતા બોલતો ન હતો.

ત્યારબાદ ૧૦૮ આવી જતા ફરીયાદી તથા તેનો પીતરાઈ ભાઈ વીરલ બુધ્ધદેવ ફરીયાદીના ભાઈ અમીત ઉર્ફે લાલાને દવાખાને લઈ ગયેલ અને જયાં શરીરે જોતા ગુપ્ત ભાગની બાજુમાં છાતીના ભાગે પેટના ભાગે ડાબા હાથમાં અને ગળાના ભાગે ઈજાઓ થયેલી હતી. ત્યાં નજરે જોનાર વિરલ બુધ્ધદેવ કે જે આ કેસના નજરે જોનાર એકમાત્ર સાક્ષી હતા. તેઓએ ફરીયાદીને જણાવેલ (૧) ઈમરાન ફારૂકભાઈ છબીબી (૨) ઈનાયત ઉર્ફે ઈનીયો અયુબભાઈ પીપરવાળીયા અમીત પાસે આવેલ હતા અને સુરેશ ગોંડલીયાની બાબતમાં ઉશ્કેરીજનક બોલાચાલી કરી ગુપ્તી અને છરી જેવા ધાતક હથીયારોથી અમીતને અસંખ્ય ઘા મારેલ હતા અને ત્યારબાદ તેઓએ આરોપી નં (૩) સરફરાજ હુશેનભાઈ મકવાણાને ભાગતા ભાગતા સ્થળ પર જ ફોન કરેલ હતો કે લાલાનું પુરુ કરી નાંખેલ છે અને ત્યાર પછી તેઓ ભાગી ગયેલ હતા. જે અંગેની ફરીયાદ મરણ જનારના ભાઈ હિમાંશુ ઉર્ફે કાનો અશ્વિનભાઈ કોટેચા દ્વારા કરવામાં આવેલી હતી.

આ ફરીયાદના અનુસંધાને મોરબી જીલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૦૮૬૦/૨૨, તા.૧૧/૯/૨૦૨૨ ના કામમાં આઈ.પી.સી. કલમ ૩૦૨, ૧૨૦(બી), ૩૪ તથા જી.પી.એકટની કલમ ૧૩૫ વિગેરે મુજબની ફરીયાદ દાખલ કરેલી અને (૧) ઈમરાન ફારૂકભાઈ છબીબી (૨) ઈનાયત ઉર્ફે ઈનીયો અયુબભાઈ પીપરવાળીયા (૩) સરફરાજ હુશેનભાઈ મકવાણાની અટક કરવામાં આવેલી હતી. અને તેઓ વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કરવામાં આવેલ હતી જેમાં સરકાર દ્વારા ગુન્હાની ગંભીરતા અને વ્યાંજકવાદના બનાવોની ગંભીરતા લઈ આ કેસમાં સ્પે. પી.પી. તરીકે ભગીરથસિંહ ડોડીયાની નિમણુંક કરવામાં આવેલ હતી.

આ કેસમાં સરકારપક્ષે કુલ-૧૦ સાક્ષી તપાસવામાં આવેલ હતા અને દસ્તાવેજી પુરાવો રેકર્ડ પર લાવવામાં આવેલ હતો. આ પુરાવાથી સ્પે.પી.પી.ભગીરથસિંહ ડોડીયાએ રજુઆત કરેલી હતી કે, આરોપી નં. ૩ એ સુરેશ ગોંડલીયાને આપેલ વ્યાજની ઉઘરાણી માટે ઈમરાન અને ઈનાયતને તેના ઘરે મોકલેલ હતા જેમાં અમીત તેઓને અવાર નવાર વચ્ચે પડી નડતો હતો. જેથી આ બનાવને અંજામ આપવા સરફરાજ મકવાણાને હેતુ હતો અને જે અંગે ગુજરનાર અમીતએ પણ ફરીયાદીને વાત કરેલી હતી અને સુરેશ ગોંડલીયાએ પણ આ વાતને સમર્થન આપેલ હતું અને નજરે જોનાર સાહેદ પણ બનાવનો અંજામ આપવાનો કુદરતી સાક્ષી છે અને બનાવ સ્થળેથી જ હત્યા કરવાના કાવતરામાં સંડોવાયેલ આરોપી નં. ૩ ને સ્થળ પરથી ફોન કરેલ છે અને જે ફોન કોલમાં પણ બનાવને અંજામ આપ્યાની જાણ કરે છે તે સાબીત થાય છે મોબાઈલ કોલના સ્થળ પરના આરોપીઓના લોકેશન તથા બનાવ સ્થળની આરોપીઓની સ્વીકૃતી, મોબાઈલના નંબરો તથા ફોન કોલ ન થયાની વાતનો ઈન્કાર તથા ફોન કોલ અંગેનો આરોપી નં. ૩ નો કોઈ સંતોષકારક ખુલાસો પુરાવામાં ન આપતા સમગ્ર બનાવમાં આરોપી નં. ૧ અને ૨ ઈમરાન અને ઈનાયતની બનાવ સ્થળે હાજરી તથા આરોપી નં. ૩ ની કાવતરામાં સંડોવણી પ્રથમ દર્શનીય રીતે ઉપરોકત પુરાવાથી સાબીત થાય છે. આ પુરાવાનું મુલ્યાંકન કરી નામદાર ઉચ્ચ અને વડી અદાલતના ચુકાદાઓ ધ્યાને લઈ તમામ આરોપીઓને મોરબીના એડી. સેશન્સ જજએ કાવતરું રચી અમીત ઉર્ફે લાલાની હત્યાના ગુન્હામાં પુરાવો માની તકસીરવાન ઠરાવેલ છે અને આજીવન કેદની સજા ફરમાવેલ છે. આ કામમાં સ્પે.પી.પી. તરીકે ભગીરથસિંહ ડોડીયા અને મુળ ફરીયાદી તરફે મોરબીના જીતેન્દ્રસિંહ જાડેજા એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો