વાંકાનેરમાં ફટાકડા મુદ્દે બોલાચાલી બાદ મામલો બિચક્યો: છ શખ્સોનો ધોકા-કુહાડી વડે હુમલો…
વાંકાનેર: વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવમાં ગુસ્સે ભરાયેલા છ જેટલા શખ્સોએ એક પરિવાર પર લાકડી, ધોકા, પાઇપ અને કુહાડી જેવા હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા બે વ્યક્તિને ફ્રેક્ચર થયાની ઘટના સામે આવી છે.
શું હતો બનાવ?
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાટીયા સોસાયટી, જલારામ જીન પાછળ રહેતા ફરિયાદી મુસ્કાનબાનું અફઝલખાન પઠાણ (ઉં.વ. ૨૨) એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓ તેમના ઘર પાસે ફટાકડા ફોડી રહ્યા હતા. જ્યારે ફરિયાદીના પરિવારે તેમને અહીં ફટાકડા ફોડવાની ના પાડી, ત્યારે આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને ફરિયાદીના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો.
ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ
આ સશસ્ત્ર હુમલામાં ફરિયાદીના પરિવારના સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સાહેદ અસરફને મણકાના ભાગે ફ્રેક્ચર થયું હતું, જ્યારે સાનિયાબેનને કાંડાના ભાગે ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.
છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ
આ મામલે મુસ્કાનબાનું પઠાણે નીચે મુજબના છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે:
૧. નાજીમભાઈ આબીદભાઈ કલાડિયા
૨. અબરાર આબીદભાઈ કાદડિયા
૩. મુંબીન ઇસ્માઇલ
૪. આર્યનભાઈ મહેમુદભાઈ મકવાણા
૫. સલમાનભાઈ મુન્નાભાઈ કાજી
૬. મુનાફભાઈ ઈકબાલભાઈ કલાડિયા
વાંકાનેર સીટી પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
