skip to content

વાંકાનેર: NEET પરીક્ષામાં થયેલા ગોટાળા મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન…

વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ વાંકાનેર સેવા સદન કચેરી ખાતે NEETની પરીક્ષામાં થયેલા ગોટાળા મામલે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ગોટાળા મામલે રાષ્ટ્રપતિને સંબોધીને વાંકાનેર પ્રાંત અધિકારી મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરીક્ષામાં ગોટાળાઓ કરનાર દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી હતી. મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય મામલે NEETની પરીક્ષા ફરીથી લેવાની માંગ કરવામાં આવી હતી.

વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવાયું હતું કે, NEET-UG જેવી પરીક્ષામાં ગોટાળાઓ થાય તે અતિ ગંભીર બાબત છે. આ પરીક્ષામાં અનેક ક્ષતિઓ સામે આવી છે. આ માનવીય ભુલો નથી પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે. પ્રશ્નપત્ર કેવી રીતે લીક થયું તે અંગે પણ કોંગ્રેસ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે. ગોધરામાં પૈસા લઈને આખું સેન્ટર વેચાઈ ગયું તેના પર પણ કોંગ્રેસે પ્રહાર કર્યા છે. પરીક્ષા લેનાર NTAની દર વર્ષે કોઈ ને કોઈ ગેરરીતિ સામે આવે છે તેથી આવી મોટી પરીક્ષાનું આયોજન કરવા માટે NTA સક્ષમ નથી. આથી NEETની પરીક્ષા ફરીથી લેવામાં આવે અને NTA સિવાયની અન્ય સક્ષમ સંસ્થાને પરીક્ષાના આયોજનની જવાબદારી સોંપવામાં આવે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટેનું આગોતરું આયોજન અને નીતિઓ ઘડવામાં આવે તેવી પણ વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો