કાજુના ધંધામાં ઊંચા નફાની લાલચ ભારે પડી: વાંકાનેરના વેપારી સાથે ₹6 લાખની છેતરપિંડી
રાજકોટના શખ્સે વિશ્વાસમાં લઈ રોકાણ કરાવ્યા બાદ હાથ અધ્ધર કર્યા; વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ
વાંકાનેર: વેપાર-ધંધામાં વધુ નફો કમાવવાની લાલચ ક્યારેક પાયમાલી નોતરે છે, તેવો જ એક કિસ્સો વાંકાનેરમાં પ્રકાશમાં આવ્યો છે. વાંકાનેરની જૂની દાણાપીઠમાં કરિયાણાનો વ્યવસાય કરતા એક યુવાન વેપારીને કાજુના ધંધામાં ભાગીદારી કરી મોટો નફો અપાવવાની લાલચ આપી રાજકોટના એક શખ્સે ₹6 લાખનો ચૂનો ચોપડ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.
પારિવારિક સંબંધો કેળવી વિશ્વાસઘાત કર્યો
બનાવની વિગતો મુજબ, વાંકાનેરની જૂની દાણાપીઠ વિસ્તારમાંમાં કરિયાણાની દુકાન ધરાવતા અયુબભાઈ ઇસ્માઈલભાઈ શેરસીયા (ઉ.વ. 32) નામના વેપારી સાથે રાજકોટના ન્યુ ઘાંચીવાડમાં રહેતા સબીરહુશેન મહમદભાઈ કાસમાણીએ અગાઉ પારિવારિક સંબંધો કેળવ્યા હતા. આ સંબંધોનો ગેરફાયદો ઉઠાવી, સબીરહુશેને અયુબભાઈને કાજુના ધંધામાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી હતી.
બેંક એકાઉન્ટ દ્વારા ₹6 લાખનું ટ્રાન્ઝેક્શન
આરોપીની વાતોમાં આવી જઈ અયુબભાઈએ જૂન 2025માં પોતાની ‘ફાઈવસ્ટાર ડ્રાયફ્રુટ’ પેઢીના એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના કરંટ એકાઉન્ટમાંથી સમયાંતરે કુલ ₹6 લાખનું રોકાણ કર્યું હતું. જોકે, રોકાણ કર્યાના લાંબા સમય બાદ પણ નફો તો દૂરની વાત રહી, પરંતુ મૂળ રકમ પણ પરત મળી ન હતી. અયુબભાઈએ પોતાની રકમ પરત માંગતા આરોપીએ ગલ્લાતલ્લા કરી વિશ્વાસઘાત કર્યો હોવાનું જણાયું હતું.
પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા
અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા અયુબભાઈ શેરસીયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સબીરહુશેન મહમદભાઈ કાસમાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

