BAOU અભ્યાસકેન્દ્ર-1446ના 10 વિદ્યાર્થીઓએ ગોલ્ડ-સિલ્વર મેડલ તથા સર્ટિફિકેટ મેળવ્યા, ‘તેજતૃષા’ સ્પર્ધાઓમાં 25 વિદ્યાર્થીઓએ મેડલ પ્રાપ્ત કર્યા
વાંકાનેર, તા. 3 ઓક્ટોબર 2026: ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી અમરસિંહજી શૈક્ષણિક સંકુલ ખાતે આવેલી શ્રીમતી કુમુદબેન મહેતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કાર્યરત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)ના અભ્યાસકેન્દ્ર કોડ-1446ના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અને વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.
ઓગસ્ટ 2019થી 2025ના સત્ર દરમિયાન વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા 10 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તથા સર્ટિફિકેટ પ્રાપ્ત કરી વાંકાનેરનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત, યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે યોજાતી ‘તેજતૃષા’ વિવિધ સ્પર્ધાઓમાં 25 વિદ્યાર્થીઓએ મેડલ પ્રાપ્ત કર્યા છે.
આ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓના સન્માન માટે તા. 3 ઓક્ટોબર, શનિવારે બપોરે શ્રી અમરસિંહજી શૈક્ષણિક સંકુલના ઓડિટોરિયમ હોલ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા તથા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જયંતિભાઈ રાજકોટિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ તથા વાંકાનેર નામસર મહારાણા રાજ સાહેબ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા (રાજ્યસભા સાંસદ) પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, કાર્યક્રમના સહયોગી સોનલબેન દોશી, ઉપપ્રમુખ શ્રી કલ્પેન્દુભાઈ મહેતા, માનદ મંત્રી શ્રી અનંતરાય મહેતા તથા તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રાજકોટ પ્રાદેશિક કેન્દ્ર (BAOU)ના રિજનલ ડિરેક્ટર શ્રી હર્ષવર્ધન સાહેબ, શહેર અને તાલુકા કક્ષાના ભાજપના પદાધિકારીઓ, વાંકાનેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યશ્રીઓ, સામાજિક સંસ્થાના કાર્યકરો, પત્રકારો, મેડલ વિજેતા વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
ઉપપ્રમુખ શ્રી કલ્પેન્દુભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન અભ્યાસકેન્દ્રના કો-ઓર્ડિનેટર ડૉ. શીતલબેન શાહ તથા સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ. બ્રિજેશભાઈ બારસરા દ્વારા કરવામાં આવ્યું હતું.
વાંકાનેરના વિદ્યાર્થીઓએ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે મેળવેલી આ સિદ્ધિ સમગ્ર શૈક્ષણિક જગત માટે ગૌરવની બાબત બની છે. વિદ્યાર્થીઓના સન્માનથી અન્ય વિદ્યાર્થીઓને પણ અભ્યાસ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક અને કૌશલ્યલક્ષી પ્રવૃત્તિઓમાં આગળ વધવા માટે પ્રેરણા મળશે.
