શરમજનક: 55 રૂપિયાની લાંચ લેતા VCE ઝડપાયો, ઈમાનની કિંમત માત્ર એક ચા-નાસ્તા જેટલી?

હાથબ ગ્રામ પંચાયતમાં લગ્નનું પ્રમાણપત્ર કાઢવા માટે માંગી હતી લાંચ; ભાવનગર ACBએ છટકું ગોઠવી દીપક બારૈયાને દબોચ્યો

ભાવનગર: ભ્રષ્ટાચારની દુનિયામાં મોટા કૌભાંડોની વાતો તો રોજ સાંભળવા મળે છે, પરંતુ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. હાથબ ગ્રામ પંચાયતમાં VCE (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર) તરીકે ફરજ બજાવતા દીપક બારૈયા માત્ર રૂ. 55 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા અને લોકમુખે ભારે ચર્ચા જગાવી છે કે શું હવે ભ્રષ્ટાચારીઓ માટે ઈમાનની કોઈ કિંમત જ રહી નથી?

રૂ. 200 થી શરૂ થયેલી વાત રૂ. 70 પર અટકી!
​સમગ્ર વિગત મુજબ, એક અરજદારને તેમના લગ્નનું પ્રમાણપત્ર (Marriage Certificate) કઢાવવું હતું. આ સરકારી કામ માટે VCE દીપક બારૈયાએ અરજદાર પાસે રૂ. 200 ની માંગણી કરી હતી. જોકે, અરજદાર અને VCE વચ્ચે ભારે રકઝક થઈ હતી અને અંતે મામલો રૂ. 70માં નક્કી થયો હતો.

રૂ. 15 ની પહોંચ આપી અને રૂ. 55 ખિસ્સામાં મૂક્યા
​ચોંકાવનારી વાત તો એ છે કે, દીપકે કુલ 70 રૂપિયા લીધા જેમાંથી નિયમ મુજબ રૂ. 15 ની સત્તાવાર પહોંચ અરજદારને ફાડી આપી હતી. બાકીના વધારાના 55 રૂપિયા લાંચ તરીકે પોતાના ખિસ્સામાં મૂકતા જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ ભાવનગર ACB ની ટીમે તેને દબોચી લીધો હતો.

આ સમાચાર શેર કરો

Follow Us on