ભરશિયાળે ઠંડીને બદલે વરસાદ ખાબક્યો: વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ…

ડિસેમ્બર મહિનાના પ્રારંભ બાદ પણ ગુજરાતમાં લોકોએ હજી કડકડતી ઠંડીનો અનુભવ કર્યો નથી. શરૂઆતમાં થોડા દિવસ ઠંડીનું જોર વધ્યા બાદ ફરી તાપમાન વધતાં ઠંડીમાં રાહત મળી છે. રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન મોટા ભાગનાં શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાતાં ઠંડીમાં રાહત રહી હતી. એકમાત્ર નલિયામાં જ તાપમાન ઘટ્યું હતું, જ્યાં સૌથી ઓછું 11.5 ડિગ્રી નોંધાયું હતું. આ વચ્ચે આજે વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 20 ડિસેમ્બર બાદ ગુજરાતમાં ઠંડીની જમાવટ થશે.

વલસાડ જિલ્લા ધરમપુર, ગોરખડા, મોહપાડા, આવધા, રાજપુર સહિતના આંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. શિયાળાની સિઝનમાં વરસાદ પડતા વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ કે માવઠાના લીધે શિયાળુ પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે.

છુટા છવાયા વરસાદની પણ શક્યતા

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર ગુજરાતભરમાં હાલમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, પરંતુ આગામી સાત દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ સાથે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સનો ઘટાડો નોંધાય શકે છે, જેથી ફરી એક વખત ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે. હાલમાં ગુજરાતના કેટલાક ભાગો ઉપર છુટા છવાયા વરસાદની પણ શક્યતા છે.

હાલમાં ગુજરાતના કેટલાક ભાગો ઉપર છુટાછવાયા હળવા વાદળો દેખાય રહ્યા છે. જેનું મુખ્ય કારણ છે કે, વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળો બંધાયા છે, પરંતુ તેને કારણે વરસાદ કે ઝાપટાની શક્યતાઓ નહિવત પ્રમાણમાં છે. વેસ્ટન ડિસ્ટન્સની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ ઠંડીનું જોર પણ વધવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો