રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી વાંકાનેર નગરપાલિકા દ્વારા એકતા પરેડનું આયોજન કરાયું; પરેડ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને વડાપ્રધાનના સંબોધનનું લાઈવ પ્રસારણ યોજાયું
વાંકાનેર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી શહેરમાં એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેડમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ વોરા, નગરપાલિકાના સદસ્યો, રાજકીય અને સામાજિક આગેવાનો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા હતા.
આ ઉપરાંત ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સ્ટાફ, નગરપાલિકાના ચીફ ઓફિસર અને કર્મચારીઓ, અન્ય સરકારી કર્મચારીઓ, શાળા સંચાલકો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી પરેડમાં વિવિધ વર્ગના લોકોની સહભાગિતાએ રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.
પરેડનો પ્રારંભ દિવાનપરાથી થયો હતો. ત્યારબાદ કુંભારપરા, સિંધાવદર દરવાજા, જૂની પોલીસ ચોકી, મેઈન બજાર, પ્રતાપ ચોક, માર્કેટ ચોક સહિતના માર્ગો પરથી પસાર થઈ ટાઉન હોલ ગ્રાઉન્ડ ખાતે સમાપન થયું હતું.
પરેડ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સાથે વડાપ્રધાનનું સંબોધનનું લાઈવ પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌ માટે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.
વાંકાનેર નગરપાલિકા દ્વારા યોજાયેલી આ એકતા પરેડમાં લોકપ્રતિનિધિઓ, વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ અને નાગરિકોની સહભાગિતાથી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ પ્રસર્યો હતો.




