૧૫૦ કરોડ પાણીમાં: મહાનગરપાલિકાની બેદરકારીથી ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી રહ્યા બંધ!
કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાનો આક્ષેપ: ભ્રષ્ટાચારની તપાસની માંગ, આગામી ચૂંટણીમાં નેતાઓના બદલે ‘કામ’ જોઈ મતદાન કરવા અપીલ
મોરબી શહેરમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલી અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર યોજના મહાનગરપાલિકાના તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચારને કારણે સફેદ હાથી સાબિત થઈ રહી છે. અંદાજે ૧૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવા છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ હાલતમાં રહેતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. આ ગંભીર બેદરકારી સામે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ આકરા પ્રહારો કર્યા છે.
૧૦ માંથી ૪ પમ્પિંગ સ્ટેશન સદંતર બંધ હોવાનો દાવો
વર્ષ ૨૦૧૬માં તત્કાલીન મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરાયા બાદ આ યોજના શરૂ કરવામાં આવી હતી. જોકે, તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા પુષ્પરાજસિંહે જણાવ્યું કે, ગંદા પાણીના નિકાલ માટે બનાવેલા ૧૦ પૈકીના ૪ પમ્પિંગ સ્ટેશન સદંતર બંધ હાલતમાં છે, જ્યારે અન્ય સ્ટેશનો પણ ખૂબ વિલંબ બાદ કાર્યરત કરવામાં આવ્યા છે. આટલા વર્ષો સુધી આ સ્ટેશન શા માટે બંધ રહ્યા અને જવાબદાર કોણ? તેની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે.
મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો
પુષ્પરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા દ્વારા વીડિયો જાહેર કરીને મહાનગરપાલિકાના સત્તાધીશો પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, અગાઉના શાસકોના પાપે પ્રજાએ ખૂબ હાલાકી ભોગવી છે. હવે આગામી ચૂંટણીમાં ‘પક્ષ’ જોયા વગર “મારો તે સારો નહીં, પરંતુ સારો તે મારો” એ મંત્ર અપનાવીને મતદાન કરવા તેમણે નગરજનોને અપીલ કરી છે, જેથી ભ્રષ્ટ તંત્રને પાઠ ભણાવી શકાય.

