ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ગોંડલની બંને મહિલાઓ પાસેથી રૂ.1.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
વાંકાનેર: વાંકાનેર શહેરની મેઈન બજારમાં આવેલી ખુશાલ જવેલર્સ નામની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવી દાગીના જોવાના બહાને સોનાની નથડી ચોરી કરનાર બે મહિલાઓને વાંકાનેર સિટી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધી છે. પોલીસે બંને મહિલાઓ પાસેથી ચોરીમાં ગયેલી 65 નંગ સોનાની બાલી એટલે કે નથડી, કિંમત રૂ.1.85 લાખનો સમગ્ર મુદ્દામાલ કબજે કરી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, થાન તાલુકાના સરોડી ગામે રહેતા અરવિંદભાઈ જીવણભાઈ કુમખાણીયા વાંકાનેરની મેઈન બજારમાં ખુશાલ જવેલર્સ નામની દુકાન ધરાવે છે. દરમિયાન બે મહિલાઓ ગ્રાહક તરીકે દુકાનમાં આવી હતી. બંને મહિલાઓએ દાગીના જોવાના બહાને દુકાનદારનું ધ્યાન વાતોમાં ભટકાવ્યું હતું અને તેમની નજર ચૂકવી સોનાની બાલી (નથડી) નંગ-65, કુલ કિંમત રૂ.1,85,000ની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી.
બનાવ અંગે દુકાન માલિકે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી. વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બાતમીદારોને કામે લગાડવા સાથે ટેક્નિકલ એનાલિસિસના આધારે તપાસ આગળ ધપાવી હતી.
તપાસ દરમિયાન પોલીસે ચોરીમાં સંડોવાયેલી મનીષાબેન ધીરૂભાઈ સોલંકી (રહે. મંગલમ પાર્ક-1, ખોડીયારનગર, ગોંડલ, જી. રાજકોટ) અને મીનાબેન ઉર્ફે તનુ રાહુલભાઈ રાઠોડ (રહે. ઉંબાળા ચોકડી, ગોંડલ, જી. રાજકોટ)ને ઝડપી લીધી હતી. બંને મહિલાઓ પાસેથી ચોરીમાં ગયેલી 65 નંગ સોનાની બાલી, કિંમત રૂ.1.85 લાખનો સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં ઝડપાયેલી બંને મહિલાઓ વેપારીઓનું ધ્યાન ભટકાવી નજર ચૂકવી દાગીનાની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી હોવાનું સામે આવ્યું છે. વાંકાનેર પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી તમામ મુદ્દામાલ સાથે બંને મહિલાઓને ઝડપી લેતા વેપારી વર્ગમાં પણ રાહત જોવા મળી છે.
