ખાનગી ટ્રાવેલ્સની બસે ટુ-વ્હીલરને અડફેટે લેતાં બે નાં કરુણ મોત…
ભાવનગર: ઉમરાળા-ધોળા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત
ભાવનગર: ભાવનગર જિલ્લાના ઉમરાળા-ધોળા માર્ગ પર મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે. આ ગોઝારો અકસ્માત ઉમરાળા અને ધોળા વચ્ચે આવેલા સવાણી ઓઇલ મિલ નજીક રાત્રિના સમયે બન્યો હતો, જેમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસે ટુ-વ્હીલરને અડફેટે લીધું હતું.ટક્કર એટલી હતી કે ટુ-વ્હીલરનો કચ્ચરઘાણ નિકળી ગયો…
પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ઝરી ટ્રાવેલ્સ બસ અને ટુ-વ્હીલર વચ્ચે થયેલી અથડામણ એટલી ભયંકર હતી કે ટુ-વ્હીલરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગમખ્વાર ઘટનામાં ટુ-વ્હીલર પર સવાર બંને વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. જોકે, આ દરમિયાન બસ ચાલક પોતાનું વાહન ત્યાં જ મૂકીને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો.
સ્થાનિકોએ તાત્કાલિક બનાવની જાણ પોલીસને કરી હતી. માહિતી મળતા જ ઉમરાળા પોલીસ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી સાથે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઉમરાળા પોલીસે ફરાર થયેલા બસ ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ખાનગી બસના નંબરના આધારે ચાલકની ઓળખ કરીને તેની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર ઉમરાળા પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

