અંબાજી : ધો.9ની પ્રક્ષાચક્ષુ વિદ્યાર્થિની પર બે શિક્ષકોએ દુષ્કર્મ આચર્યું
વિદ્યાર્થીની દિવાળી વેકેશનમાં ઘરે ગઇ ત્યારે આ આખી ઘટના સામે આવી.
અંબાજીનાં કુંભારીયા પાસે આવેલી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયની ધોરણ 9ની વિદ્યાર્થિની પર બે પ્રજ્ઞાચક્ષુ શિક્ષકો જયંતી ઠાકોર અને ચમન ઠાકોર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. જેને પગલે શાળાએ આ બંન્ને શિક્ષકોને છૂટા કરી દીધા છે. ગત ભાદરવા મહિનામાં રામાપીરનાં નોરતા દરમિયાન આ બંન્ને શિક્ષકોએ વિદ્યાર્થિની પર અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે આ વિદ્યાર્થી દિવાળી વેકેશનમાં ઘરે ગઇ ત્યારે આ આખી ઘટના સામે આવી હતી. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાતા બંન્ને શિક્ષકોને ઝડપવાનાં ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યાં છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે અંબાજીના કુંભારીયા પાસે નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં રાધનપુર તાલુકાની ધોરણ-9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પ્રજ્ઞાચક્ષુલિપિ અને સંગીતનો અભ્યાસ કરે છે. ભાદરવા મહિનામાં રામાપીરના નોરતા દરમિયાન શાળાનાં એક રૂમમાં જ પહેલા શિક્ષક જયંતિ વિરચંદભાઇ ઠાકોરે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ શિક્ષક ચમનલાલ મૂળાજી ઠાકોરએ પણ તેના રૂમમાં જઈને એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ શાળાનાં તંત્રને કરતાં બંન્ને શિક્ષકોને કાઢી નાંખવામાં આવ્યાં છે.
વિદ્યાર્થિની દિવાળી વેકેશનમાં પોતાના ઘરે ગઈ હતી ત્યારે તે સ્કૂલમાં આવવાની ના પાડતાં આ આખી ઘટના પરિવારની સામે આવી હતી. ઉશ્કેરાયેલા પરિવારજનોએ અંબાજી પોલીસ મથકમાં બંન્ને શિક્ષક જયંતિ ઠાકોર અને ચમન ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ હાલમાં દિવાળી વેકેશન ચાલે છે એટલે પોલીસે જ્યાં ઘટના ઘટી હતી તે ઘટના સ્થળની મુલાકાત લઇ પંચનામું કર્યું છે. પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે. આ બંને શિક્ષકો ફરાર થયા છે જેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.