રાતીદેવડી ગામે બે શખ્સોનો બજારમાં પથ્થરમારો, વૃદ્ધને નાકના ભાગે ફ્રેક્ચર

વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે બજારમાં બે શખ્સોએ ગાળો બોલી પથ્થરમારો કરતા એક વૃદ્ધને ઇજા પહોંચી હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, ગત તા. 12ના રોજ બપોરના સમયે રાતીદેવડી ગામમાં રહેતા પ્રકાશ ઉર્ફે પિન્ટુ લાલજીભાઈ વોરા તથા ભરત ઉર્ફે ગોપી લાલજીભાઈ વોરા હાથમાં લાકડી લઈને બજારમાં ગાળો બોલતા બોલતા નીકળ્યા હતા.

આ દરમિયાન બંને શખ્સોએ બાવજીભાઈ વોરા નામની વ્યક્તિને ગાળો આપી છૂટા પથ્થરોના ઘા કર્યા હતા. પથ્થરમારો દરમિયાન એક પથ્થર ફરિયાદી અમૃતભાઈ મેઘજીભાઈ વોરાને વાગતા તેમના નાકના ભાગે ફ્રેક્ચર થયું હતું તેમજ મોઢાના ભાગે પણ ઇજાઓ પહોંચી હતી.

બનાવ અંગે અમૃતભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

Follow Us on