સૌરાષ્ટ્ર

રાજકોટ: ગાર્ડી કોલેજ પાસે બાઈક સવાર ત્રણ જીગરજાન મિત્રોને ટ્રકે હડફેટે લેતા બેના મોત.

કાલાવડ રોડ રકતરંજીત બન્યો : રોહીત કોળી અને હસમુખભાઈ મહેતાએ ઘટના સ્થળે જ દમ તોડયો જ્યારે ઈજાગ્રસ્ત વિપુલને સારવારમાં ખસેડાયો

રાજકોટ: આણંદપર નજીક ગાર્ડી કોલેજ પાસે નિકાવાથી જમીને આવી રહેલા ત્રણ જીગરજાન મિત્રોને અકસ્માત નડયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ત્રીપલ સવારી બાઈક ફંગોળાઈને રોડ પર પટકાયું હતું. જેમાં ચાલક રોહીત કોળી અને હસમુખ મહેતાનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. જયારે વિપુલ પેસારા નામના યુવકને ઈજા પહોંચતા સારવારમાં રાજકોટ સીવીલે ખસેડાયા હતા.

બનાવની વધુ વિગત અનુસાર મેટોડા જીઆઈડીસી ગેઈટ-2માં રહેતા રોહીતભાઈ રસીકભાઈ જાખેલીયા (કોળી) (ઉ.વ.25) ગત રાત્રીના તેમના મિત્ર હસમુખભાઈ ભાણજીભાઈ મહેતા (ઉ.વ.45) અને વિપુલભાઈ જેન્તીભાઈ પંસારા (ઉ.વ.28) બાઈકમાં સવાર થઈ નિકાવા જમવા માટે ગયા હતા. જયાંથી હોટલેથી જમીને મેટોડા પરત ફરવા માટે નિકળ્યા હતા ત્યારે આણંદપર નજીક ગાર્ડી કોલેજ પાસે પહોંચતા પાછળથી પુરપાટ માતેલા સાંઢની માફક આવેલા ટ્રકે હડફેટે લેતા ત્રણેય મિત્રો ફુટબોલની માફક ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં ત્રણેય મિત્રોને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

બનાવ સ્થળે રાત્રીના સમયે અકસ્માતથી ટ્રાફીક જામ થઈ ગયો હતો અને લોધીકા પોલીસને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવારમાં 108 મારફતે ખસેડેલ હતો. જયાં સારવારમાં રાજકોટ સીવીલે પહોંચે તે પહેલા રોહિત જાખેલીયા અને હસમુખભાઈ મહેતાએ રસ્તામાં જ દમ તોડી દીધો હતો. બન્નેના મૃતદેહને લોધીકા પોલીસે પી.એમ.માં ખસેડી અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી શોધખોળ આદરી હતી. જયારે ઈજાગ્રસ્ત વિપુલ પંસારાને સારવારમાં ખસેડાયો હતો.

વધુમાં મૃતક રોહીતભાઈના પરીવારજનોએ જણાવ્યું હતું કે તે ફ્રુટ વેચવાનું કામ કરતા હતા અને સંતાનમાં એક પુત્ર અને ત્રણ ભાઈમાં નાનો હતો. જયારે ઈજાગ્રસ્ત વિપુલ પંસારા કારખાનામાં મજુરીકામ કરે છે. અને સંતાનમાં એક પુત્રી છે. તેમજ બે જીગરજાન મિત્રો રોહીત અને હસમુખની અંતિમ યાત્રા સાથે નિકળતા બન્નેના પરીવારમાં આક્રંદ છવાયો હતો.

આ સમાચારને શેર કરો