ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં બે કલાકમાં પોણા બે ઈંચ વરસાદ

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં શહેરના રસ્તા પાણી પાણી થઈ ગયા હતા અને ચોમાસા જેવો માહોલ થઈ ગયો હતો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતમાં ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો છે. ગુરૂવારે મોડી રાત્રે તેમજ વહેલી સવારે ગુજરાતના ઘણા બદા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ પૈકી સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના ઉનામાં પોણા બે ઈંચ વરસાદ પડતાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ થયો હતો અને રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં.

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં બે કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસી જતાં શહેરના રસ્તા પાણી પાણી થઈ ગયા હતા અને ચોમાસુ હોય એવો માહોલ થઈ ગયો હતો. આ પહેલાં ગુરૂવારે બપોરે જૂનાગઢના નાઘેર પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો.

નાઘેર પંથકમાં ગુરૂવારે સવારથી વાતાવરણમાં પલટો આવતાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.  બપોર બાદ આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યાં હતાં અને  અચાનક બપોરે અઢી વાગ્યા આસપાસ વરસાદ વરસતાં સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું.

આ ઉપરાંત ખાંભાના ડેડાણ, ખડાધાર, બોરાળા, ચક્રવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખાંભા શહેરમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનાં વાદળો ઘેરાયાં છે.  રવી પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ હતી.

ગ્રામ્ય વિસ્તારો દેલવાડા, સનખડા, સામતેર, ખત્રીવાડા, કણકબરડા, મોઠા, ગીરગઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અડધોથી એક ઇંચ જેટલો વરસાદ વરસી જતાં જીરું, ચણા, ડુંગળી, ઘઉં, આંબાના, કપાસ, બાજરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદે ખેડૂતોને  પડ્યા પાર પાટુ માર્યું છે.  વરસાદથી પશુઓનો ખુલ્લામાં પડેલો ચોમાસુ ઘાસચારો પણ પલળવાની ભીતિ છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •