જડેશ્વરથી દર્શન કરી પરત ફરતા બે મિત્રોના બાઈકને કારે ટક્કર મારી, બંનેને ઈજા

રવાપર-ઘુનડા રોડ પર અકસ્માત : મોરબીના બે યુવાનોને ઈજા, કારચાલક અકસ્માત બાદ વાહન સાથે ફરાર

મોરબીના બે યુવાન મિત્રો બાઈક પર વાંકાનેરના જડેશ્વર મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી પરત મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે રવાપર-ઘુનડા રોડ પર કારચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને મિત્રોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, મોરબીના અવની પાર્ક સામે જોધાણીની વાડીમાં રહેતા ગુણવંતભાઈ દેવશીભાઈ ચાવડા (ઉ.વ.40) અને તેમના મિત્ર બીપીનભાઈ ગત 31 ઓગસ્ટના રોજ બાઈક લઈને વાંકાનેરના જડેશ્વર મંદિરે દર્શન કરવા ગયા હતા. બંને મિત્રો દર્શન કરી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે રવાપર-ઘુનડા રોડ પર વેગનઆર કાર નં. GJ-36-AL-6406ના ચાલકે બાઈકને ટક્કર મારી હતી.

અકસ્મતમાં ગુણવંતભાઈને જમણી આંખના ઉપરના ભાગે તથા ડાબી આંખના નીચેના ભાગે ગંભીર ઈજા થતાં ઓપરેશન કરાવવું પડ્યું હતું. ઉપરાંત નાકના ભાગે ટાંકા આવ્યા હતા તેમજ શરીરે છોલછાલની ઈજાઓ પહોંચી હતી.

જ્યારે તેમના મિત્ર બીપીનભાઈને પણ આંખના ઉપરના ભાગે તથા જમણા હાથમાં છોલછાલની ઈજા થઈ હતી.

અકસમાત બાદ કારચાલક વાહન સાથે સ્થળ પરથી નાસી ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે મોરબી એ ડિવિઝન પોલીસે કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

Follow Us on