ગુજરાતવાંકાનેર

કચ્છની કરૂણ ઘટના: કન્ટેનર એક્ટિવા માથે પડતા ત્રણ યુવાનોના મોત…

કચ્છના મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર આજે એક અરેરાટી મચાવી દે તેવો દર્દનાક અકસ્માતની ઘટના બની છે. ટ્રેલર પરથી કન્ટેનર અચાનક પડી બાજુમાંથી પસાર થતા એક્ટિવા પર પડ્યું હતું. જોકે આ એક્ટિવા પર ત્રણ યુવાનો સવાર હતા અને તેના પર કન્ટેનર પડતા ત્રણેય કચડાઈ જતા મોત નીપજ્યા હતા. યુવાનોના શરીરના અંગો પણ વેર વિખેર થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, મુન્દ્રા-અંજાર હાઈવે પરના ખેડોઇ નજીક આજે બપોરે કન્ટેનર ટ્રેલર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક્ટિવા પર સવાર ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. મૃતદેહોને અંજાર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મૃત્યુ પામનાર યુવાનોમાં એકનું નામ નૈતિક અને બીજાનું નામ અભિષેક છે. જ્યારે ત્રીજા યુવાનની ઓળખ પ્રક્રિયા ચાલુ છે. ત્રણેય યુવાનો મિત્રો હતા અને અકસ્માત સમયે એકસાથે પોતાના કામ અર્થે એક્ટિવા લઈ જઈ રહ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. અંજાર પોલીસ દ્વારા ટ્રેલરના ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો