સિંધાવદર પાસે વોંકળાના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું કરુણ મોત
ઓઇલ પાઇપલાઇન ઓફિસ નજીક બનેલી ઘટના; ૩૦ થી ૩૫ વર્ષના યુવાનનો મૃતદેહ મળતા ચકચાર
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ પાસે એક અજાણ્યા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ઓઇલ પાઇપલાઇન ઓફિસ નજીક આવેલા વોંકળામાં કોઈ કારણોસર પડી જવાથી યુવાનનું મૃત્યુ થયું હતું, જે અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સિંધાવદર ગામથી આગળના ભાગમાં, ઓઇલ પાઇપલાઇન ઓફિસની બાજુમાં આવેલા કોઝવે તરફ જવાના રસ્તા પર રોડ સાઈડમાં પાણીથી ભરેલો એક વોંકળો આવેલો છે. આ વોંકળાના પાણીમાં આશરે ૩૦ થી ૩૫ વર્ષની વયનો એક અજાણ્યો યુવાન કોઈ કારણોસર પડી ગયો હતો. પાણીમાં ડૂબી જવાથી યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે સિંધાવદરના રહેવાસી જયેશભાઈ પરસોતમભાઈ દંતેશરીયા (ઉ.વ. ૩૨) એ વાંકાનેર તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થાનિકોની મદદથી યુવાનના મૃતદેહને પાણીની બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
વાંકાનેર તાલુકા પોલીસે આ મામલે અકસ્માતે મોતના ગુન્હાની નોંધ કરી છે. મૃતક યુવાન કોણ છે અને તે ક્યાંનો વતની છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

