સૌરાષ્ટ્ર

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટે વડાપ્રધાનની રાજકોટ મુલાકાત અને રીજનલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે ટ્રાફિક પ્રતિબંધો જાહેર કર્યા

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તા. ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ની મુલાકાત અને તા. ૧૧ થી ૧૩ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનાર ‘રીજનલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૬’ (કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ કોન્ફરન્સ)ને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવા માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કે.બી. ઝવેરી દ્વારા મહત્વનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે.આ જાહેરનામા અનુસાર, રાજકોટ શહેરમાં વી.આઇ.પી. મહેમાનોની અવર-જવરને લીધે મીતાણા ચોકડી થી બેડી ચોકડી (રાજકોટ શહેર તરફના મુખ્ય માર્ગ) પર ભારે વાહનો (હેવી વ્હીકલ્સ)ના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધ તા. ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ના સવારના ૮:૦૦ કલાકથી તા. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રાત્રિના ૨૩:૦૦ કલાક સુધી અમલમાં રહેશે.આ પ્રતિબંધને કારણે મુસાફરો અને વાહન ચાલકોને અસુવિધા ન પડે તે માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે:અમદાવાદ જવા-આવવા માટે: મીતાણા ચોકડી થી અમરસર ફાટક (વાંકાનેર) થઈને સીંધાવદર, કુવાડવા ગામ થઈને રાજકોટ-અમદાવાદ હાઈવે પર જઈ શકાશે.
મોરબી થી રાજકોટ તરફ જવા માટે:મીતાણા ચોકડી થી અમરસર ફાટક (વાંકાનેર), સીંધાવદર, કુવાડવા ગામ, ગ્રીનલેન્ડ ચોકડી, આજીડેમ ચોકડી થઈને ગોંડલ ચોકડી તરફ.
અથવા મીતાણા ચોકડી થી પડધરી, ઘંટેશ્વર ટી-પોઈન્ટ, નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ થઈને કટારીયા ચોકડી થી રાજકોટ શહેરમાં પ્રવેશ.

સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, શબ વાહન અને પૂર્વ મંજૂરી મેળવેલ વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.આ ઇવેન્ટ વાયબ્રન્ટ ગુજરાતના રીજનલ મોડલનું બીજું સંસ્કરણ છે, જે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને નવી તકોને પ્રોત્સાહન આપશે. વડાપ્રધાન આ સમિટનું ઉદ્ઘાટન કરીને મહત્વના પ્રોજેક્ટ્સની જાહેરાત પણ કરશે.સરકારે નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સહયોગ આપવાની અપીલ કરી છે જેથી વી.આઇ.પી. મુલાકાત અને સમિટ સફળતાપૂર્વક યોજાઈ શકે.

આ સમાચારને શેર કરો