Placeholder canvas

કાલે પતંગરસિયાઓ થાકી જવાના છે! પવનની ગતિ માત્ર 7થી12 કિમી રહેશે

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી, કાલે સવારે માંડ સાત કીમીની ઝડપ હશે, બપોર બાદ વધીને 12 કીમી થશે.

રાજકોટ: આવતીકાલના ઉતરાયણના પતંગ પર્વે પતંગરસિયાઓ માટે નિરાશાજનક સમાચાર છે. આવતીકાલે માત્ર 7થી12 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શકયતા દર્શાવતી આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે કાલે આકાશને પતંગોથી ઢાંકી દેતા પતંગપર્વે પવનની ઝડપ પ્રમાણમાં ઓછી રહેવાની શકયતા છે. આખો દિવસ 7થી12 કિલોમીટરની ઝડપ ધરાવતો પવન રહેશે. ઝાટકાના પવનની ગતિ પાંચ કિલોમીટર વધુ રહેશે. સવારના ભાગે પવન માત્ર સાત કિલોમીટર આસપાસનો રહેશે. જયારે બપોર પછી થોડી ઝડપ વધશે અને 12 કિલોમીટર સુધી પહોંચી શકે છે.

પતંગ પર્વે જ પવન પ્રમાણમાં ઓછો-ધીમો રહેવાના સંજોગોમાં પતંગરસીયાઓ થાકી જઈ શકે છે.રાજકોટ-સૌરાષ્ટ્રમાં પવનની દિશા ઉતરાદિ અર્થાત ઉતર-ઉતરપુર્વની રહેશે. કચ્છમાં સાંજ સુધી ઉતર અને સાંજથી ઉતર પુર્વ તથા ગુજરાતમાં સવારે પુર્વ તથા બપોર બાદ ઉતર-ઉતરપુર્વના પવન રહેવાની શકયતા છે. રાજયભરમાં વાતાવરણ એકંદરે સ્વચ્છ રહેશે. ઝાકળ-ધુમ્મસની શકયતા નથી.

બીજી તરફ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કાતિલ ઠંડીના દોરમાંથી રાહત મળી છે અને તાપમાન નોર્મલ કે તેથી વધી ગયું છે. મહતમ નોર્મલ તાપમાન 28થી29 ડીગ્રી છે તે મોટાભાગના સેન્ટરોમાં 30થી32 ડીગ્રીની રેન્જમાં પહોંચી ગયું છે. ન્યુનતમ તાપમાનમાં પણ સમાન હાલત છે.

આ સમાચારને શેર કરો