Placeholder canvas

આવતી કાલે ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ…

સવારના 10 કલાકે શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરીણામ મુકાશે: રાજયના 1.40 લાખ વિદ્યાર્થીઓના શૈક્ષણીક ભાવિનો થશે ફેસલો

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2022 માં લેવાયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ)ની પરીક્ષાનું પરીણામ આવતીકાલે સવારનાં 10-00 કલાકે શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જાહેર થશે.

ધો.12 વિજ્ઞાન પ્રવાહનાં આ પરીણામની સાથોસાથ ગુજકેટ 2022 નું પરીણામ પણ જાહેર કરી દેવાશે તેમ રાજયના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે ટવીટર પર ટવીટ કરીને જાહેર કર્યું હતું.આ પરીણામ જાહેર થતા રાજયના 1.40 લાખ વિદ્યાર્થીઓના શૈક્ષણીક ભાવીનો ફેંસલો થશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આ વખતે દર વર્ષની સાપેક્ષમાં માર્ચ 2022 માં 15 દિવસ મોડી લેવામાં આવી હતી. ધો.12 પ્રવાહનું પરીણામ પ્રતિ વર્ષ સામાન્ય રીતે મે માસના અંતમાં જાહેર કરવામાં આવે છે. પરંતુ આ વખતે શિક્ષણ બોર્ડ દ્વારા પરીણામ વહેલાસર જાહેર કરવામાં આવનાર છે.

દરમ્યાન આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં નાયબ નિયામક ટી.કે.મહેતાએ જણાવ્યું હતું કે આવતીકાલે સવારના 10 કલાકે વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પરથી મેળવી શકશે.

વિદ્યાર્થીઓ તેઓનું પરીણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓને ગુણપત્રક પ્રમાણપત્ર અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછી કરવામાં આવશે તેમજ ગુણ ચકાસણી દફતર ચકાસણી નામ સુધારા અને પરીક્ષામાં પુન: ઉપસ્થિત થવા માટેની જરૂરી સુચનાઓ તેમજ નમુનાનાં નિયત ફોર્મ ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે તેમ શિક્ષણ બોર્ડના નાયબ નિયામક મહેતાએ જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો