Placeholder canvas

આજે14 જૂન, “વિશ્વ રક્તદાતા દિવસ” દેશમાં દર વર્ષે જરૂરિયાત કરતા 20% ઓછુ લોહી મળે છે.

“રક્ત આપો, જીવન બચાવો.” “રક્તદાન, મહાદાન”

દર વર્ષે 14 જૂનનાં રોજ “રક્તદાતા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. કાર્લ લેન્ડસ્ટેઇનર કે જે એબીઓ રક્તસમુહ પ્રણાલી (એબીઓ બ્લડ ગ્રુપ સીસ્ટમ)નાં શોધક છે. આ માટે તેમને 1930નાં વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું. કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મદિવસ 14મી જૂન 1868 છે. વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા વિશ્વ આરોગ્ય સંસ્થા વર્ષ 2007 થી એમનાં જન્મ દિવસ (14 જૂન)ને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરી. “વિશ્વ રક્તદાતા દિવસ” મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રક્તદાન અંગે જાગરૂત કરવાનો છે. લોકો સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરશે તો બ્લડ બેન્કમાં પર્યાપ્ત માત્રામાં બ્લડ ઉપલબ્ધ રહેશે, જેનાથી જરૂર પડવા પર દર્દીને સરળતાથી બ્લડ મળી શકે. રક્તદાન કરવાથી કેટલાય લોકોને નવું જીવન આપી શકાય છે. દેશ-દુનિયામાં કેટલાય લોકો દરરોજ લોહીની ઉણપથી મૃત્યુ પામે છે. આ દિવસની ઉજવણીથી લોકોને સમજાવી શકાય છે કે રક્તદાન કેટલું જરૂરી છે.

આજે દુનિયા ટેકનોલોજીની બાબતમાં ખૂબ જ આગળ નીકળી ગઈ છે. મેડિસીનની બાબતમાં પણ ઘણા-બધા સંશોધનો થયા અને નવી નવી ટેકનોલોજીનો વિકાસ થયો છે. અદ્યતન સાધનોની મદદથી ઝડપી અને ખૂબ જ સારી રીતે સારવાર કરી શકાય છે. આ બધુ હોવા છતાં પણ હજુ સુધી કૃત્રિમ રીતે લોહી બની શક્યું નથી. એના માટે ઘણા બધા પ્રયત્નો થયા છે પણ હજું સુધી તેમાં સફળતા મળી નથી. તેના માટેનાં તમામ પ્રયત્નો વ્યર્થ સાબિત થયા છે. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. અને આ કારણથી જ લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે.

સામાન્ય રીતે લોકો બીજાની મદદ કરવાનાં હેતુથી રક્તદાન કરતા હોય છે અને તેમનું એક વખતમાં કરેલું રક્તદાન એ 3 અન્ય લોકોનો જીવ બચાવી શકે છે. એક સર્વે અનુસાર મોટા ભાગનાં લોકો જેમણે રક્તદાન નથી કર્યું હોતું તેમનો રક્તદાન અંગે અભિપ્રાય એવો હોય છે એમને ક્યારેય રક્તદાન વિશે વિચાર્યું જ નથી હોતું. આનો મતલબ એ કે સમાજમાં હજું પણ રક્તદાન અંગે જાગૃતિનો અભાવ છે. જો સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે અને લોકોને રક્તદાન અને તેની જરૂરિયાત તથા તેનાથી થતા ફાયદા વિશે સમજાવવામાં આવે તો એનાથી સમાજને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે. આ બાબતે યુવાનોનું ધ્યાન કેંદ્રિત કરવાની તાતી જરૂરિયાત છે. કારણ કે યુવાનો રક્તદાન માટે સક્ષમ હોય છે પણ જાગૃતતાનાં અભાવે યુવાનોને રક્તદાન માટે પ્રેરી શકાતા નથી. હાલમાં જુદી-જુદી બ્લડ બૅન્ક દ્વારા કૉલેજો અને મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં રક્તદાન શિબિર યોજી યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવે છે. જે ખૂબ જ આવકારદાયક પગલું છે.

જે લોકો રક્તદાન કરવા માંગતા હોય તેમના લોહીનો સૌ પ્રથમ ટેસ્ટ કરવામાં આવે છે કારણ કે એ લોહી સુરક્ષિત છે કે નહિ તે ખૂબ જ અગત્યની બાબત છે. રક્તદાન માટે મોટેભાગે શિબિરો યોજવામાં આવે છે અથવા બ્લડ બૅન્કમાં જઈને રક્તદાન કરાતું હોય છે. આ સંજોગોમાં રક્તદાન શિબિરમાં સલામત રક્તદાન અંગેની પૂરતી વ્યવસ્થા કરવી જરૂરી છે. કેમ કે, કેટલીક વખત રક્તદાતા બિનસલામત સોય કે તેવા કોઈ કારણથી ચેપી રોગનો ભોગ બની શકે છે. જો કે હવેનાં સમયમાં જાગૃતિનો ફેલાવો થતાં આવા કિસ્સા ખૂબ જ ઘટી ગયા છે. સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ, જન્મ દિવસ અથવા પ્રસંગની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યુ છે. જે ખૂબ જ આવકાર્ય છે. આમ છતાં પણ સૌના સહિયારા પ્રયાસો હજું ઓછા પડે છે. જેમાં વધારો થાય અને જરૂરી સમયે રક્ત ન મળવાથી કોઈનું પણ મૃત્યુ ન થાય તેવી પરિસ્થિતિ સર્જાય તે જ આદર્શ સ્થિતિ કહી શકાય.
મિત્તલ ખેતાણી

આ સમાચારને શેર કરો