વાંકાનેર

તિથવા ગામે તળાવની માટી મુદ્દે બઘડાટી : સરપંચને ફડાકા ઝીકાયા, સામા પક્ષે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી

વાંકાનેર તાલુકાના તિથવા ગામમાં તળાવને ઊંડું ઉતારવાના અને માટી કાઢવાના કામને લઈને મોટો વિવાદ સર્જાતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલી ચર્ચા દરમિયાન મામલો ઉગ્ર બનતાં મારામારી સર્જાઈ હતી. આ ઘટનામાં સરપંચને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે સામા પક્ષે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ તિથવા ગામના ‘કુંડલીના ખારા’ તરીકે ઓળખાતા તળાવને ઊંડું ઉતારવાનું કામ મંજૂર થયું હતું. આ કામના કોન્ટ્રાક્ટને લઈને વિવાદ ઉભો થયો હતો. ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને તળાવમાંથી નીકળતી માટી ખેડૂતોને આપવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું હતું.

આ મુદ્દે ચર્ચા કરવા ગ્રામ પંચાયત કચેરી ખાતે લોકો ભેગા થયા હતા. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ વાતાવરણ તંગ બન્યું હતું. સરપંચ પક્ષ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં કેટલાક લોકો દ્વારા હુમલો કરીને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. છોડાવવા વચ્ચે પડેલા અન્ય લોકોને પણ માર મારાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

બીજી તરફ સામા પક્ષે નોંધાવેલી ફરિયાદમાં ગ્રામ પંચાયત કચેરી ખાતે ચર્ચા દરમિયાન જાહેરમાં અપમાનિત કરાયા હોવાના તેમજ જ્ઞાતિ આધારિત ટિપ્પણી કરીને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ કરાયા છે. એટલું જ નહીં ઝપાઝપી દરમિયાન મોબાઇલ ફોન અને સોનાની ચેઇન ગુમ થઈ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ગંભીર બનાવને લઈને વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી છે. હુમલો, રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો