Placeholder canvas

વાંકાનેર: તીથવા ગામે જમણવારનું આમંત્રણ ન આપતા પાઇપ વડે હુમલો, કપાળ તોડી નાંખ્યું !!

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે માતાજીના પ્રસંગ નિમિતે યોજવામાં આવેલ જમણવારમાં વાડી-પાડોશીને જમણવારનું આમંત્રણ ન આપતા આરોપીએ ફોન કરી ગાળો દઈ પોતાના ઘરે બોલાવી યુવક ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી યુવકને નાકના ભાગે અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા હાલ યુવકના પિતા દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે લાલશાનગર ધારે રહેતા રમેશભાઈ ખીમજીભાઈ મેસરીયા ઉવ. 44 એ આરોપી ભરતભાઈ ગોવિંદભાઈ આઘારા તથા ગોવિંદભાઈ કાનાભાઈ આઘારા રહે.બન્ને તીથવા કુબા વિસ્તાર તા.વાંકાનેર જી.મોરબી સામે ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓએ માતાજીના જમણવારના પ્રસંગમા આરોપીઓને આમંત્રણ આપેલ ન હોય જેનુ મન દુખ રાખી આરોપી ભરત ગોંવિદભાઈએ ફરીયાદીને ફોનમા ભુંડાબોલી ગાળો આપતા રમેશભાઈના દીકરા રોનક રમેશભાઈએ આરોપીના ઘરે જઈ વાતચીત કરતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપી ભરત અઘારાએ લોંખડના પાઈપ વતી રોનકને નાકના ભાગે તથા કપાળના ભાગે ફેકચર જેવી ગંભીર ઈજાઓ પોહચાડી હતી.

તેમજ આરોપી ગોંવિદ કાનાભાઈએ રોનકને લોંખડના પાઈપ વતી જમણા હાથમા મુઢ ઈજા પોહચાડી બન્ને આરોપીઓએ રમેશભાઈ તથા તેમના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજીબાજુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને પ્રથમ વાંકાનેર ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરેલ છે. જ્યાં ડોક્ટરના જણાવ્યા અનુસાર યુવકની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ રમેશભાઈ મેસરીયાએ બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુક પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી આરોપીઓની અટક કરવા તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો