વાંકાનેર: તિથવાની સીમમાં ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, 5 જુગારી ઝડપાયાં.
વાંકાનેર તાલુકા પોલીસે ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી પાંચ પત્તા પ્રેમીઓને રોકડ રકમ રૂ. 53,850 ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વાંકાનેરના તિથવા ગામની કાંકરીયા તરીકે ઓળખાતી સીમમાં આરોપી સરફરાજ શેરસીયા દ્વારા પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો રમાડતો હોય, જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપી ૧). સરફરાજભાઈ ઇબ્રાહિમભાઈ શેરસીયા (રહે. તિથવા), ૨). દિનેશભાઇ ભવાનભાઈ કાનાણી (રહે. મોરબી), ૩). મહમદરફીકભાઈ અહમદભાઈ વકાલીયા (રહે. તિથવા), ૪). કાંતિલાલ બેચરભાઈ ભુત (રહે. સજનપર), અને ૫). દિપકભાઈ કરમશીભાઈ દેત્રોજા (રહે. મોરબી) ને રંગેહાથ જુગાર રમતા રોકડ રકમ રૂ. 53,850 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.