દેશ-દુનિયા

24 કલાકમાં ત્રણ ભીષણ અકસ્માત : 49ના મોત

ભારતમાં એક જ દિવસમાં ભીષણ માર્ગ અકસ્માતનો સીલસીલો સર્જાયો હોય તેમ જુદા જુદા ત્રણ અકસ્માતમાં 49 લોકોએ જીવ ગુમાવ્યા છે અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા.

રાજસ્થાનના જોધપુરમાં ભારતમાલા હાઇવે પર કાર્તિકી સ્નાન કરીને પરત ફરી રહેલા શ્રધ્ધાળુઓની મીની બસ બંધ ટ્રેલરમાં ઘુસી જતા 15 લોકોના મોત નિપજયા હતા. આ ઘટનાની શાહી સુકાઇ ન હતી ત્યાં જ તેલંગણાના રંગારેડ્ડી જિલ્લામાં બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં 24 લોકોના મોત નિપજયા હતા.

મોતને ભેેટેલા મોટા ભાગના કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા હતા. રાજય એસ.ટી. નિગમની બસ રોંગસાઇડમાં આવી રહેલા ટ્રક સાથે અથડાઇ પડી હતી.

અકસ્માત બાદ ટ્રક બસ પર ખાબકયો હતો અને તેના કારણે પ્રવાસીઓ દટાઇ ગયા હતા. સ્થળ પર જ 19 લોકોએ દમ તોડયો હતો અને પાંચ લોકો સારવાર દરમ્યાન મોતને ભેટયા હતા હજુ અનેક લોકોની હાલત ગંભીર રહી છે. બસમાં 40થી વધુ પ્રવાસીઓ હતા.

ત્રીજો અકસ્માત રાજસ્થાનમાં જોધપુર નજીક સર્જાયો હતો જયાં બેકાબુ બનેલા એક ડમ્પરે 17 જેટલા વાહનોને હડફેટે લીધા હતા અને તેમાં 10 લોકોના મૃત્યુ નિપજયા હતા. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે અનેક લોકોના શરીરના અવયવો જ જુદા જુદા થઇ ગયા હતા.

અમુકના હાથ કપાઇ ગયા હતા તો અમુકનું માથુ ધડથી અલગ થઇ ગયું હતું. સમગ્ર માર્ગ લોહીથી રંગાઇ ગયો હતો. બેકાબુ બનેલા ટેન્કરે પાંચ કિ.મી. સુધી વાહનોને ઝપટે લીધા હતા. 10 લોકોના મોત થવા ઉપરાંત 18 લોકો ઘાયલ થયા હતા જેમાંથી 13ની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.

પોલીસના સુત્રોએ જણાવ્યું હતું કે, આ અકસ્માત હરમાળાના લોહામંડી નજીક બપોરે 1 વાગ્યે બન્યો હતો. ટ્રક હાઇવે પર ચડવા જતો હતો ત્યાં ઓચિંતી બે્રક ફેઇલ થતા બેકાબુ બન્યો હતો અને એક પછી એક 17 વાહનોને ટકકર મારી દીધી હતી. આ દુર્ઘટના બાદ સમગ્ર રસ્તો અવરોધાયો હતો અને પોલીસે રોડ બંધ કરીને ટ્રાફિક ડાયવર્ટ કરી દીધો હતો. વાહનોનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ સમાચારને શેર કરો