ધ્રોલના જાયવા ગામ નજીક બોલેરોએ એક્ટિવાને ટક્કર મારતાં ત્રણ લોકોનાં મોત.
જામનગર-રાજકોટ હાઇવે પર ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. ધ્રોલના જાયવા ગામ નજીક પૂરપાટ આવતી બોલેરોએ એક્ટિવાને ટક્કર મારતાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં છે.
આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે આજે વહેલી સવારે બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો છે. પૂરપાટ દોડતી બોલેરોએ એક્ટિવાને ટક્કર મારતાં ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના કુંભાર પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયાં છે.
ઘટનાને પગલે હાઇવે પર વહેલી સવારે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. ભેગા થયેલા લોકોએ જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
વહેલી સવારે સર્જાયેલા અકસ્માતને પગલે જામનગર-રાજકોટ હાઇવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. સ્થળ પર પહોંચી પોલીસે ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કરાવ્યો હતો અને અકસ્માત કઈ રીતે થયો તેની તપાસ હાથ ધરી છે.


