રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ, પોલીસ તંત્ર દોડતું થયું

રાજકોટ, તા. 15 સપ્ટેમ્બર: રાજકોટની જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે. આજે સવારે આશરે 10 વાગ્યે રાજકોટ બાર એસોસિએશનના ઈ-મેઈલ એડ્રેસ પર ધમકીભર્યો ઈ-મેઈલ આવ્યો હતો. કોર્ટ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગાંધીનગરના કેટલાક મહત્વના સ્થળોને નિશાન બનાવવાની પણ ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ બાર એસોસિએશનના ઈ-મેઈલ એડ્રેસ ઉપરાંત કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ એડ્રેસ પર પણ ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. ઈ-મેઈલના સબજેક્ટમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઈ-મેઈલમાં ખાલિસ્તાની સંગઠનના નામનો ઉલ્લેખ કરી ઉશ્કેરણીજનક અને ધમકીભર્યું લખાણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

ધમકી મળ્યા બાદ રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા દ્વારા કોર્ટ મેનેજર તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે સ્થાનિક પોલીસે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને SOGના સ્ટાફને જાણ કરી કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

પોલીસ દ્વારા કોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હોવાનું જાણવા મળ્યું છે.

ઈ-મેઈલમાં વાડીનાર પોર્ટથી ન્યારા રિફાઇનરી અને સિક્કા પોર્ટથી જામનગર સુધી ડ્રોન હુમલાની ધમકીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી પણ ઈ-મેઈલમાં આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ધમકીભર્યા ઈ-મેઈલમાં વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ કેનેડાના ખાલિસ્તાની નેતાઓ અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

દરમિયાન, અગાઉ ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય, વિધાનસભા સહિતના સરકારી ભવનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મામલે બિહાર અને ઝારખંડમાંથી આરોપીઓ ઝડપાયા હતા. તપાસ દરમિયાન મોટી સંખ્યામાં ઈ-મેઈલ આઈડી બનાવવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો.

હવે રાજકોટ કોર્ટને મળેલા ધમકીભર્યા ઈ-મેઈલનું કનેક્શન અગાઉના કેસમાં સામે આવેલા ઈ-મેઈલ આઈડી સાથે છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

Follow Us on