skip to content

આને કહેવાય અણધારી આફત: હાઈવે પર ટ્રકનું ટાયર નીકળી ગયુને મોપેડ સાથે અથડાતા, યુવકનું મોત

મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા નજીક પુરપાટ વેગે આવતા ટ્રકનું વ્હીલ નીકળી જતા એક્ટિવા સાથે અથડાયું હતું. જેને પગલે એક્ટિવા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે.

આ અંગે મૃતકના ભાઈ નિમેશભાઇ ખીમજીભાઇ વડગામાએ દાખલ કરેલ ફરિયાદ અનુસાર ગત તા.૧૪/૧૦/૨૦૨૨ બપોરના સાડા બાર વાગ્યાના અરસામા
તેમના મોટાભાઈ કૌશિકભાઈ ખીમજીભાઇ વડગામા એકટીવા GJ-36-N-3020 વાળુ લઇને વાધરવા ગામથી ઘરે આવતા હતા. એ સમયે મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા નજીક રામદેવ હોટલની પાસે પહોચતા સામેના મોરબીથી માળીયા તરફના રોડ ઉપર કોઇ અજાણ્યા ટ્રક ચાલક પોતાનો ટ્રક પુરઝડપે અને બેદરકારીથી ચલાવી રહ્યો હતો અને અચાનક તેના ટ્રકનુ વ્હીલ નીકળી જતા તે કૌશિકભાઈ ના એક્ટીવા સાથે અથડાયું હતું. જેને પગલે કૌશિકભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જયારે ટ્રક ચાલક પોતાનો ટ્રક લઇને નાસી ગયો હતો. એ વખતે કૌશિકભાઈને જમણા પગમા તથા માથામા ગંભીર ઇજા થતા સત્વરે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.આ ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો