હળવદ: સગીરને બાઈક આપવું કાકાને ભારે પડ્યું, જીવલેણ અકસ્માત મામલે પોલીસની કડક કાર્યવાહી
સુસવાવ-કેદારનાથ માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં ૪૫ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું; પોલીસે બાઈક માલિક સામે ગુનો નોંધી તપાસ તેજ કરી
હળવદ તાલુકામાં સગીર વયના બાળકોને વાહન આપતા વાલીઓ અને સગા-સંબંધીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુસવાવ ગામ પાસે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યા બાદ, પોલીસે તપાસના અંતે અકસ્માત સર્જનાર સગીરને બાઈક આપનાર તેના કાકા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, હળવદના સુસવાવ ગામથી કેદારનાથ મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા પર એક બાળકિશોર બાઈક (નંબર: જીજે ૩૬ એએમ ૩૯૫૫) લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવી રહેલા અન્ય એક બાઈક સાથે સગીરે જોરદાર અકસ્માત સર્જ્યો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે સામેના બાઈક ચાલક ચુનીભાઇ (ઉંમર વર્ષ ૪૫) ને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસની કડક કાર્યવાહી
આ અકસ્માત અંગે અગાઉ સગીર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન સામે આવ્યું કે જે બાઈક દ્વારા અકસ્માત થયો તેના માલિક સગીરના કાકા સંજયભાઈ રૂપાભાઈ પંચાસરા (રહે. નવી શિરોઇ, હળવદ) છે. સગીર વયના બાળકને વાહન ચલાવવા આપી ગંભીર બેદરકારી દાખવવા બદલ હળવદ પોલીસે હવે બાઈક માલિક સંજયભાઈ સામે પણ ગુનો દાખલ કર્યો છે.
વાલીઓ માટે ચેતવણી
આ ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લાયસન્સ વગરના સગીર બાળકોને વાહન ચલાવવા આપવું એ કાયદાકીય રીતે ગુનો છે અને જો આવું વાહન કોઈનો જીવ લેશે તો વાહન માલિકે પણ જેલની હવા ખાવી પડશે.

