Placeholder canvas

ધો.10ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા લેવાશે

ધો.૧૦ની આજે ૧૫ એપ્રિલથી શરૂ થનારી પ્રાયોગિક અને સૈદ્ધાંતિક પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવા અંગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

શાળાકક્ષાના વિષયોની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા હવે બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ લેવાની રહેશે તેવો બોર્ડે પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે, બોર્ડની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયાના ત્રણ દિવસમાં શાળાકક્ષાની પરીક્ષા લેવાની રહેશે.

ધો.૧૦ના બે મરજીયાત વિષયની પરીક્ષા શાળા ખાતે લેવામાં આવતી હોય છે. આ પરીક્ષા બોર્ડની પરીક્ષા શરૂ થયા પહેલા શાળાકક્ષાએ લેવાતી હોય છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડની વેબસાઈટ પર ગુણ મુકવાના હોય છે. બોર્ડે અગાઉ જારી કરેલી તારીખો મુજબ પ્રાયોગિક પરીક્ષા ૧૫ એપ્રિલથી શરૂ થતી હતી અને ૧૭ એપ્રિલના રોજ પૂર્ણ થતી હતી. આમ ત્રણ દિવસમાં આ પરીક્ષા પૂર્ણ કરવાની હતી. પરંતુ કોરોનાનું સંક્રમણ વધતા પરીક્ષા પૂર્ણ કરવાની મુદત ૩૦ એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. જોકે હાલ રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ વધુ વણસી છે માટે હાલ પૂરતી આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ આ પરીક્ષા લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષાની તારીખો દર વર્ષે શૈક્ષણિક કેલેન્ડરમાં જ જાહેર કરી દેવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાના હિસાબે શાળાકીય પ્રવૃત્તિઓનું કેલેન્ડર તૈયાર થયું નહોતું. જેથી પરીક્ષાની તારીખો તબક્કાવાર પરિપત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો