Placeholder canvas

વાંકાનેર: પીર મશાયખ હોસ્પિટલના ડૉક્ટરના ઘરમાં થયેલ ચોરી પ્રકરણ: સાગો સાળો જ ચોર !!

બહેનના ઘરમાં સગા ભાઇએ જ ખાતર પાડયું, આમાં હવે ભરોસો કોનો કરવો ?

વાંકાનેર: પીર મશાયખ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને હોસ્પિટલમાં જ ત્રીજા માળે રહેતા ડો. સાજીદ પાસલીયાના મકાનમાં રવિવારે સાંજના સમયે રૂ.13 લાખની રોકડ રકમની ચોરી થય હતી. આ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં જ મોરબી એલસીબી ટીમે ઉકેલી બે આરોપીઓની રૂ. 12.85 લાખની રોકડ રકમ સાથે ધરપકડ કરી છે.

આ ચોરીની મળેલી માહિતી મુજબ ગત તા. 08મી ઓગસ્ટના રોજ વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ બિલ્ડીંગમાં ત્રીજા માળે રહેતા ડો. સાજીદ પાસલીયાના મકાનમાં રૂ. 13 લાખની રોકડ રકમની ચોરી થઇ હતી. જેની મોરબી એલસીબી ટીમની તપાસમાં જાણવા મળેલ કે આ ચોરી ફરિયાદીના સાળાએ કરેલ હોય જેથી પોલીસે ફરિયાદીના સાળા અવેશ ઈકબાલભાઈ કોતલ(ઉ.વ. ૩૧, રહે. સાબરીન સોસાયટી, અગ્રાવત હોસ્પિટલ પાસે, અકશા પેલેસ, બ્લોક નં. ૧૦૩, જુનાગઢ) અને તેના સહયોગ સાકીરભાઈ કાદરભાઈ દુરવેશ (ઉ.વ. ૩૪, રહે. મેમણવાડા, જુનાગઢ)ની ધરપકડ કરી પૂછપરછ કરતાં બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી લીધી હતી.

આ બનાવમાં ઝડપાયેલા બંને આરોપીઓએ પોલીસની પુછતાછમાં ગુનાની કબૂલાત આપતા જણાવ્યું હતું કે આરોપી અવેશ ફરિયાદી ડોક્ટરનો સાળો હોય અને પોતે ખાનગી શાળાનું વાહન ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હોય પરંતુ છેલ્લા દોઢ વર્ષથી લોકડાઉનના કારણે કામધંધો બંધ હોય જેથી તેણે જીવનનિર્વાહ માટે પર્સનલ લોન લીધેલ હોય જેના હપ્તા નહિં ભરાતા તેના બનેવીના ઘરે રોકડ રકમ પડેલ હોવાની માહિતીના આધારે તેના મિત્ર સાકીર સાથે મળી બનેવી ડો. સાજીદ પાસલીયાના મકાનની રેકી કરી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો જે બાદ ચોરીની રકમને વાંકાનેર મચ્છુ નદીના પટમાં દાટી સંતાડી દીધી હતા. જેથી પોલીસે બંને આરોપીઓ સાથે ચોરીની રકમ રૂ. 12,85,000 કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો