મોરબી

મોરબીમાં વ્યાજખોરનો આતંક: ‘બે દિવસમાં 64 લાખ આપજે, નહિતર પૂરું કરી નાખીશ’ની ધમકી

વ્યાજ-મુદ્દલ ચૂકવાયા છતાં 64 લાખની ખંડણી માંગી; પિતા-પુત્રનું અપહરણ કરી ખેતીની જમીનના દસ્તાવેજ પડાવી લીધા

મોરબી મોરબીમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વ્યાજખોરે વ્યાજ અને મુદ્દલની રકમ ભરપાઈ કરી દેવા છતાં એક કોલસાના વેપારી પાસેથી વધુ ₹64 લાખની ખંડણી માંગી, પિતા-પુત્રનું અપહરણ કર્યું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તાજેતરમાં જ રાજકોટ-મોરબી હાઇવે પર વિરપર નજીક આવેલા ટ્રેક્ટરના શોરૂમમાં કાર લઈને ઘૂસી જઈને આતંક મચાવનાર વ્યાજખોર દિનેશ ગગુભાઈ મકવાણા (રહે. મોરબી) વિરુદ્ધ આ ગંભીર ગુનો નોંધાયો છે.
કોલસાના વેપારી જય પ્રવીણભાઈ અંબાણીએ મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે: 15% અને 5% વ્યાજે નાણાં લીધા: છ વર્ષ પૂર્વે ધંધા માટે આરોપી દિનેશ મકવાણા પાસેથી ₹15 લાખ 15 ટકા વ્યાજે અને ત્યારબાદ ₹50 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા.

મુદ્દલ-વ્યાજ ભરપાઈ છતાં ઉઘરાણી: વેપારી જય અંબાણીના જણાવ્યા મુજબ, સમય જતાં તેમણે વ્યાજ સહિતની તમામ રકમ આરોપીને પરત ચૂકવી દીધી હતી.
અપહરણ અને ધમકીઓ
વ્યાજ-મુદ્દલ ચૂકવાયા હોવા છતાં, આરોપી દિનેશ મકવાણાએ પોતાની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી.
પિતાનું અપહરણ: અગાઉ પણ આરોપીએ જય અંબાણીના પિતા પ્રવીણભાઈનું અપહરણ કરીને વાવડી ચોકડી પાસેની ઓફિસમાં ગોંધી રાખ્યા હતા.
64 લાખની ખંડણી: વ્યાજની રકમ પરત કરવામાં વિલંબ થયો હોવાનું બહાનું કાઢીને આરોપીએ ફરિયાદી પાસેથી વધારાના ₹64 લાખની માંગણી કરી હતી.
જમીનના દસ્તાવેજ પડાવ્યા: આટલું જ નહીં, આરોપીએ પિતા-પુત્રનું અપહરણ કરીને ઓફિસે લઈ જઈ, તેમની પાસેથી ખેતીની જમીનના દસ્તાવેજો બળજબરીથી પડાવી લીધા હતા.
જાનથી મારી નાખવાની ધમકી: ₹64 લાખ નહીં આપે તો પિતા અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ડરના કારણે અમદાવાદ જવું પડ્યું
વ્યાજખોરની ધમકીઓથી ડરી ગયેલા જય અંબાણી કોઈને જાણ કર્યા વગર અમદાવાદ જતા રહ્યા હતા. જોકે, બે દિવસ પૂર્વે આરોપી દિનેશ મકવાણાએ તેમના પિતાના ટ્રેક્ટર શોરૂમમાં ઘૂસી જઈ આતંક મચાવ્યાની જાણ થતાં, જય અંબાણી મોરબી પરત ફર્યા હતા અને વ્યાજખોર વિરુદ્ધ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી દિનેશ મકવાણા વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો