ચોટીલા ડુંગર પર રાજ્યનો પ્રથમ ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઇડ શરૂ થશે, જાણો ક્યારથી શરૂ થશે આ સુવિધા
ચોટીલા પવિત્ર યાત્રાધામ પર ગુજરાતમાં પ્રથમ ફ્યુનિક્યુલર કોચ સિસ્ટમ પ્રોજેક્ટ (નાની ટ્રેન) શરૂ થઇ રહ્યો છે. આ પ્રોજેક્ટ પુરો થયા બાદ ભક્તો માત્ર 5 મિનિટમાં ચોટીલા ડુંગર પર આવેલા મા ચામુંડાના દ્વારે પહોંચ શકશે. જેના કારણે ભક્તોએ 635 પગથિયાં નહીં ચડવા પડે. હાલ આ પ્રોજેક્ટનું આશરે 35% જેટલું કામ પૂર્ણ થઈ ગયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
કેટલો થશે ખર્ચ
ચોટીલામાં શરૂ થનારી ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઈડ માટે 20 કરોડનો ખર્ચ થશે. ડુંગર પર સિંગલ કોચવાળી ટ્રેન દોડતી જોવા મળશે. કુલ 12 કોચ બનાવવામાં આવશે. એક કોચમાં 6 શ્રદ્ધાળુઓ બેસી શકશે. આ માટે 30 રૂપિયા અને જીએસટી ચૂકવવો પડશે.
જાણો ક્યારથી શરૂ થશે આ સુવિધા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચૈત્ર નવરાત્રી સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા છે. તેનાથી અનેક લોકોને ફાયદો થશે. તેના લોકાર્પણ માટે PM નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે. આ ઉપરાંત પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પથ્થર સહિતની વજનદાર સામગ્રી અને પૂજાવિધિની તમામ સામગ્રી આ કોચમાં લઇ જવાશે.
આ નવું આકર્ષણ ચૈત્ર નવરાત્રીથી લાખો શ્રદ્ધાળુઓ માટે ઉપલબ્ધ થઈ જશે. હાલમાં ચોટીલા ડુંગર પર રોજ સરેરાશ 7,000થી 10,000 ભક્તો દર્શને આવે છે, જ્યારે ચૈત્ર નવરાત્રીમાં અંદાજે 2થી 2.5 લાખ અને દિવાળીથી ભાઈ બીજ સુધીમાં લગભગ 5 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
ઉલ્લેખનીય છે કે નવરાત્રી, દિવાળી, પૂનમના પર્વ પર અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે.

