Placeholder canvas

જો હવેથી વાહનના પુરા કાગળિયા નહીં હોય તો ભરવો પડશે ચાંદલો…!!

બે દિવસ પહેલાં માસ્ક સિવાયનો દંડ ન લેવા CMએ જાહેરાત કરી હતી

-વાહન જપ્ત કરવામાં નહીં આવે, ઉચ્ચક દંડ વસૂલ કરાશે

હાલના કોરોના સંક્રમણના સમયમાં પોલીસે માસ્ક નહીં પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવા વાહન ચેકીંગ સઘન બનાવ્યું છે ત્યારે માસ્ક સિવાય વાહનોના દસ્તાવેજ ન હોય કે આરટીઓના અન્ય ગુનાઓનો દંડ નહીં વસૂલવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટમાં નિર્ણય કર્યો હતો અને પોલીસને સૂચના આપી હતી. પરંતુ હવે બે જ દિવસમાં સરકારે આ નિર્ણય ફેરવી તોળીને વાહનના દસ્તાવેજો ન હોય તો 500થી 1000 રૂપિયાનો ઉચ્ચક દંડ વસૂલવા સૂચના આપી છે. જોકે, વાહન જપ્ત નહીં કરવા જણાવ્યું છે. જેના બદલે દંડ વસૂલીને વાહનચાલકને જવા દેવાશે.

વિજય રૂપાણીએ શનિવારે નિર્ણય કર્યો છે કે માસ્કની અમલવારી માટે સઘન પોલીસ સર્વેલન્સ થઇ રહ્યું છે ત્યારે વાહચાલકો પાસે વાહનના દસ્તાવેજો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી. આવા સંજોગોમાં આરટીઓના નિયમ અનુસાર વાહનો જપ્ત કરવામાં આવે છે અને તેને છોડાવવાની પ્રક્રિયામાં લાંબો સમય જાય છે. જેથી દસ્તાવેજો ન હોય તેવા ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે 500 રૂ. અને ફોર વ્હીલર માટે 1000 રૂ.નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે. વાહનોના જરૂરી દસ્તાવેજો 15 દિવસમાં રજૂ કરી શકાશે. આમ સરકારે વધુ એક નિર્ણયમાં ત્રણ દિવસમાં યુ ટર્ન માર્યો છે. હવે નવા નિયમ મુજબ માસ્ક નહીં હોય તો પણ દંડ થશે અને વાહનચાલક પાસે પૂરતા દસ્તાવેજ નહીં હોય તો પણ રૂ.500થી રૂ.1 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે.

15 દિવસમાં દસ્તાવેજ રજૂ કરી શકાશે
મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણ દરમિયાન પોતાના સગા-સંબંધીઓની સારવાર સેવા માટે અવર-જવર કરતા વાહન ચાલકોને આ નિર્ણય દ્વારા મોટી રાહત આપી છે. એટલું જ નહીં હવેથી આવા વાહનો માટેના જરૂરી દસ્તાવેજો 15 દિવસમાં રજૂ કરી શકાશે તેમ પણ જણાવ્યું છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ રાજ્યમાં પોલીસ અધિકારીઓ કોવિડ-19 સંક્રમણ નિયંત્રણના કડક પગલાંઓ રૂપે મોટર વ્હીકલ એકટ-1988 અન્વયે ડીટેઇન કરાયેલા વાહનો માટે આ ઉચ્ચક દંડ વસૂલ કરી શકશે.

આ સમાચારને શેર કરો