skip to content

વરસાદની શક્યતા વચ્ચે આજથી તરણેતરના મેળાનો રંગેચંગે પ્રારંભ: રવીવારે મુખ્યમંત્રી હાજરી આપશે.

પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી શુભારંભ થયો છે. ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ગીરીશ પંડ્યા સહિતના મહાનુભાવોએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો.

તરણેતર લોકમેળાને ખુલ્લો મુક્યા બાદ જિલ્લા કલેકટર કે.સી.સંપટે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક વિરાસતનો સમૃધ્ધ વારસો ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહી પરંતુ સમગ્ર દેશમાંથી અનેક શ્રધ્ધાળુઓ આવે છે. આ લોકમેળાનું અનેરૂ મહાત્મ્ય રહેલું છે, તેને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મેળામાં આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારનું સુચારુ આયોજન કાર્ય કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, આ મેળો આસપાસના ગામના લોકો માટે રોજગારીનું, સાંસ્કૃતિક વિરાસતની જાળવણીનું, કલાકારો માટે કલાના પ્રદર્શનનું અને હળવા મળવાનું, ફરવાનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. મેળામાં મહાલવા સાથે સ્વચ્છતા જાળવવા જિલ્લા વહીવટી તંત્રને સહયોગ કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પણ તેમણે ભારપૂર્વક અપીલ કરી હતી.

ત્રિનેત્રેશ્વર મહાદેવના પુજન-અર્ચન બાદ ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટર કે.સી.સંપટ સહિતના મહાનુભાવોએ કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા વિકસિત ભારત @2047 વિષય સાથે યોજાયેલા મલ્ટીમીડિયા પ્રદર્શન તેમજ પશુપાલન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પશુ પ્રદર્શનને રીબીન કાપી ખુલ્લા મુકયા હતા. બાદમાં તરણેતર લોકમેળાના મેળાના આકર્ષણ સમા ગ્રામિણ ઓલમ્પિકસ અને વિસરતા વારસાનું જતન અને સંવર્ધન માટે મેળામાં પ્રથમવાર યોજાયેલી પારંપારિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો શુભારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે ચોટીલા આસિસ્ટન્ટ કલેકટર કલ્પેશ શર્મા, પ્રાંત અધિકારી સર્વ નિકુંજ ધૂળા, કુલદીપ દેસાઈ, તરણેતર સરપંચ અશોકસિંહ રાણા, અગ્રણી કાનભા, વિજયભાઈ ભગત સહિત સંબધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો