વાંકાનેર: શિષ્યવૃત્તિ કૌભાંડમા ઉંડી તપાસ માટે અગ્ર શિક્ષણ સચિવ પાસે ધા

વાંકાનેરના સામાજીક કાર્યકર કરશન ડાયાભાઈ આંબલીયા દ્વારા મોરબી જીલ્લામાં વિદ્યાર્થીઓની શિષ્યવૃતિની રકમમાં આચરવામાં આવેલા લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગે રાજ્યના અગ્ર શિક્ષણ સચિવ વિનોદ રાવને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

તેમણે લખ્યું છે કે, મોરબી જીલ્લામાં શૈક્ષણિક ગુણવતામાં વધારો કરવાના બદલે હાલમાં ભ્રષ્ટાચારમાં વધારો થઇ રહ્યો છે તેવા સમયે ભ્રષ્ટાચાર આચરનારા મુખ્ય ભેજાબાજને છાવરીને માત્ર એક શિક્ષક સામે કાર્યવાહી કરીને તપાસમાં કુલડીમાં ગોળ ભાંગવામાં આવી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓની શિષ્યવૃતિની રકમ હજમ કરી જનારાઓ સામે આકરા અને અન્ય માટે બોધપાત્ર બની રહે તેવા પગલા લેવામાં આવે એવી માંગ કરવામા આવી છે.

આ રજૂઆતમાં સામાજિક કાર્યકરે વધુમાં લખ્યું છે કે, વાંકાનેર બી.આર.સી. ભવનના કો. ઓર્ડિનેટર અબ્દુલ શેરશીયા દ્વારા ગત વર્ષે એસ.એમ.સી.ના સભ્યોને જે તાલીમ આપવાની હતી એ માત્ર કાગળ ઉપર સભ્યોની પોતે સહી કરીને માત્ર કાગળ ઉપર કામગીરી કરેલ છે રૂપિયા પોતાના ખિસ્સા ભેગા કરેલ છે એવી જ રીતે દર વર્ષે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ એમના ખાતામાં જમા કરવામાં આવે છે પણ જે વિદ્યાર્થીઓ ગેરહાજર હોય કે શાળામાં ન હોય એવા બાળકોની આગળના વર્ષોની શિષ્યવૃત્તિની રકમ જમા હોય છે એ લાખો રૂપિયાની રકમ આચાર્યો પાસેથી એકાઉન્ટ પેના સહી સિક્કા વાળા ચેક લખાવી લીધા હતા.

જો કે, આચાર્ય દ્વારા ચેકમાં નામ કોનું લખીએ તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેમને બી.આર.સી. કો. ઓર્ડિનેટરે એવું કહ્યું કે બેંકમાં પૂછીને ચેકમાં નામ લખી નાખીશું તમારે બેંકમાં ધક્કો ન થાય, લાઈનમાં ઉભું રહેવું ન પડે એટલે અમે જ બધુ કરી નાખીશું આવુ એક કે બે નહિ પરંતુ બારથી ચૌદ શાળાના ચેક લઈ લીધા હતા અને પછી અબ્દુલ શેરશીયા અને અન્ય સી.આર.સી. કો. ઓર્ડિનેટર સહિતનાએ પોતાના અંગત ખાતામાં ચેક જમા કરાવીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે.

આટલું જ નહિ બેન્કનો ખોટો ચોરસ સિક્કો બનાવી, ચલણમાં સહી પણ કરેલ છે આવી અનેક નાણાકીય ગેરરીતી આચરવામાં આવી છે અને ટી.પી.ઈ.ઓ. વાંકાનેરની પણ સામેલગીરી હોવાની શક્યતા છે જો કે, આ બધા ભ્રષ્ટાચારમાં તાલુકા પંચાયતમાં કામ કરતા એક શિક્ષકની જ જવાબદારી ગણીને હાલમાં તેને બલીનો બકરો બનાવી સજાના ભાગરૂપે તેની બદલી કરી દેવામાં આવી છે પણ સમગ્ર નાણાકીય કૌભાંડના મુખ્ય સુત્રધારની સામે પણ પગલા લેવામાં આવે તે જરૂરી છે માટે સામાજીક કાર્યકર દ્વારા ભ્રષ્ટાચાર કરનારાઓની સામે જીલ્લામાં નહી પરંતુ રાજ્યમાં બોઘ રૂપ બની રહે તેવી કાર્યવાહી કરીને સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો