Placeholder canvas

પીકઅપનું ટાયર ફાટતાં ડિવાઈડર કૂદી બાઈકચાલકોને અડફેટે લીધા

સુરતમાં પીકઅપનું ટાયર ફાટતાં ડિવાઈડર કૂદી બાઈકચાલકોને અડફેટે લીધા, ફાર્મ હાઉસમાં રજા માણી પરત ફરતાં દંપતી સહિત 4 કાળનો કોળિયો

સુરતમાં વેલંજાથી નવી પારડી જતી પિકઅપનું ડ્રાઈવર સાઈડનું આગળનું વ્હીલ ફાટી જતાં પિકઅપે ડિવાઈડર કુદાવી સામેથી આવતી બે બાઈક અને રાહદારીને અડફેટે લેતાં એક મહિલા સહિત ચાર વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. આ ચાર મૃતકોમાં દંપતીનો પણ સમાવેશ થાય છે. જેઓ રવિવારની રજા હોવાના કારણે ફાર્મ હાઉસમાં પરિવાર સાથે ગયા હતા. જોકે, પરત ફરતા અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

કામરેજના અંત્રોલી ગામની હદમાં હનુમાન દાદાના મંદિર પાસે વેલંજા- નવી પારડી રોડ ઉપર રવિવારે રાત્રે વેલંજા તરફથી આવતી મહિન્દ્રા બોલેરો પિકઅપ નં.(RJ-19-GF-8840)નું ડ્રાઈવર સાઈડનું આગળનું વ્હીલ ફાટી ગયું હતું. એ સાથે પિકઅપ ડિવાઈડર કુદાવી સામેના ટ્રેક પર સામેથી આવતા હોન્ડા સાઈન ૫૨ સવાર દંપતી વિપુલ દાનસંગ ગોહિલ (ઉં.વ.38) અને ગીતાબેન (ઉં.વ.37) (બંને હાલ રહે., 37,નંદની રો હાઉસ, કુબેરનગર પાસે, સીમાડા, મૂળ રહે.,નોધવદર, તા.પાલિતાણા, જિ.ભાવનગર) તેમજ હીરો પેશન મોટરસાઈકલ નં.(GJ-05-LS-8609) ઉપર સવાર અજય અરજણ એરડા (ઉં.વ.25) (હાલ રહે.,કમલપાર્ક સોસાયટી, માતાવાડી પાસે, વરાછા, મૂળ રહે., બાલા, તા.કેશોદ, જિ.જૂનાગઢ) અને ભાવેશ લક્ષ્મણ ભરડા (ઉં.વ.30) (રહે., 226. કમલપાર્ક સોસાયટી, વરાછા) તેમજ રાહદારી વૃદ્ધને અડફેટે લીધા હતા.

દંપતી, અજય એરડા અને રાહદારી મળી કુલ ચાર વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે ભાવેશ ભરડાને ઈજા થતાં સારવાર માટે ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ ઘટનામાં પિકઅપ ચાલક નાસી છૂટ્યો હતો. અકસ્માત થતાં જ અંત્રોલીના લોકો મદદે દોડી આવ્યા હતા. વધુમાં મરનાર વિપુલ અને ગીતાબેન શનિવારે અન્ય પરિવાર સાથે ફાર્મ હાઉસમાં ગયાં હતાં. ત્યાંથી રવિવારે પોતાના ઘરે જતી વેળા કાળ ભરખી ગયો હતો.

આ સમાચારને શેર કરો