સૌરાષ્ટ્ર

કમળાની બીમારી છે માટે જાવ છું તેવી ચીઠ્ઠી મુકી લાપતા થયેલી સગીરા પ્રેમી સાથે ભાગી ગઇ હતી…!!!

શહેરના જામનગર રોડ પરના વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા કમળાની બીમારીથી ઘર છોડી જાઉં છું તેવી ચીઠ્ઠી મૂકી લાપતા બની હતી. દરમિયાન ગાંધીગ્રામ પોલીસે બનાવની ગંભીરતા જાણી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી સગીરાને શોધી કાઢી હતી. સગીરા અહીંથી ગયા બાદ તેના પ્રેમી પાસે પહોંચી ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે સગીરાના પ્રેમી અને તેની મદદગારી કરનાર બંને શખસોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ, માધાપર ચોકડી પાસેના વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા ગત તા. 23/3 ના ઘરે ચિઠ્ઠી મૂકી લાપતા થઈ હતી. જે ચિઠ્ઠીમાં પોતાને કમળાની બીમારી હોવાથી ઘરેથી જતી રહ્યાનું જણાવ્યું હતું જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા એસીપી રાધિકા ભરાઈ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર.મેઘાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.બી.જાડેજા તથા ટીમે બનાવવાની ગંભીરતા જાણી તપાસ શરૂ કરી હતી. સગીર વયની દીકરી ઘરેથી જતી રહી હોય તે મોરબી રોડ પર પોલીસે લોકલ માણસોની પૂછપરછ કરી હતી બાદમાં માધાપર ચોકડી ખાતે રિક્ષા ચલાવતા રીક્ષા ચાલકોની પૂછતાછ કરી ફ્લેટમાં મળેલા ફૂટેજના આધારે સગીરાનો ફોટો દેખાડી પૂછપરછ કરી હતી.

દરમિયાન હેડ કોન્સ્ટેબલ મસરીભાઈ ભેટારીયા, મુકેશભાઈ સબાડ અને પ્રદીપભાઈ ડાંગરનો એક રીક્ષા ચાલકે સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે, ફોટોમાં દેખાતી આ સગીરાને તેને માધાપર ચોકડી ખાતે સ્પેશિયલ ભાડું કરી ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઉતારી હતી. ત્યાંથી કોઈ છોકરા સાથે વાત કરવી હોય એક કડાવાળા ભાઈ પાસેથી મોબાઇલ માંગ્યો ગયો હતો જેથી પોલીસ તુરંત ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી હતી અને અહીં અલગ અલગ વ્યક્તિઓને પૂછપરછ કર્યા બાદ સગીરાએ જેના મોબાઈલમાંથી કોલ કર્યો હતો તે વ્યક્તિ સુધી પોલીસ પહોંચી હતી. બાદમાં આ વ્યક્તિના ફોનમાંથી કોલ ડીટેઇલ કઢાવતા સગીરાએ અમનના મોબાઇલમાં કોલ કર્યાનું માલુમ પડતા પોલીસ આ અમન સુધી પહોંચી હતી. ત્યારબાદ માલુમ પડ્યું હતું કે, ઘર છોડી ભાગી ગયા બાદ સગીરા તેના પ્રેમી મહાવીરસિંહ ઉર્ફે હક્કા સાથે ભાગી ગઈ હતી અને હાલ બંને ડી માર્ટ પાસે હોય પોલીસે અહીં પહોંચી સગીરાને મુક્ત કરાવી મહાવીરસિંહની ધરપકડ કરી હતી.

આ સમાચારને શેર કરો